ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી
વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે સુરતના ત્રણ યુવકો પાસેથી ૧૫ લાખ પડાવી લીધા
વડોદરા,સુરતના એન્જિનિયર સહિત ત્રણને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે ૧૫ લાખ પડાવી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રાંદેર વિસ્તારમાં પ્રભાત તારા સ્કૂલની બાજુમાં જલઘારા ફ્લેટમાં રહેતા દત્ત ગિરીશભાઇ પટેલ સુરતના કતાર ગામે ડી.આર.સી. કંપનીમાં સર્વિસ એન્જિનિયર છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૩ માં મારે વિદેશ જવાનું હોઇ મારી માસીના દીકરા બંસી પટેલને વાત કરી હતી. હું, તીર્થ પટેલ અને બંસી પટેલ ઓક્ટોબર - ૨૦૨૩ માં માંજલપુર ઇવા મોલ પાસે શાલીન કોમ્પલેક્સમાં ધ વર્લ્ડ વિઝા હબ નામની ઓફિસમાં ગયા હતા. ઓફિસમાં અમે તુષાર સપકાળને મળ્યા હતા. તુષારે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે એક વ્યક્તિના ૧૩ લાખ થશે. તેવું કહ્યું હતું. અમે ત્રણેય ભાઇઓએ હા પાડતા તેણે જાન્યુઆરી - ૨૦૨૪ સુધી તમારા વર્ક પરમિટ વિઝા આવી જશે. તેવી ખાત્રી આપી હતી અને એડવાન્સ પેટે પાંચ લાખ માંગ્યા હતા. અમે તેને ૧૫ લાખ આપ્યા હતા. તેની સામે તુષારે એમ.ઓ.યુ. કરી આપ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં વર્ક વિઝા કોન્ટ્રાક્ટમાં નક્કી થયેલી કંપનીનું નામ સિલ્વર ફર્ન ફાર્મ્સમાં ફુટ પ્લકીંગ પોકરની જોબ અને ૧૩ લાખનું પેકેજ દત્ત અને તીર્થ પટેલે નક્કી કર્યુ છે. જેના ૧૦ લાખ મળ્યા છે. તા. ૦૫ - ૦૧ - ૨૦૨૪ સુધીમાં વિઝા ના મળે તો રૃપિયા પરત કરશે.તુષાર સપકાળથી વિઝાનું કામ નહીં થતા અમે રૃપિયાની પરત માંગણી કરી હતી. પરંતુ, રૃપિયા પરત કર્યા નથી.