સુરત: અન્ય ભાષાના વિદ્યાર્થીઓને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તેવો પ્રયાસ
મીની ભારત બની ગયેલા સુરતમાં અનેક રાજ્યોમાંથી લોકો રોજીરોટી માટે આવે છે આવા શ્રમજીવીઓના બાળકોને તેમની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તે માટે સુરત પાલિકા એક બે નહી સાત-સાત ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. પાલિકાએ ભાષાની વસ્તી પ્રમાણે શાળાઓ શરૂ કરી છે. પાલિકાના આવા પ્રયાસ છતાં અનેક બાળકો એડમિશન લેતા ન હોવાથી પાંડેસરાની એક શાળાના આચાર્યએ આવા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહે તે માટે એક નવતર પ્રયોગ કર્યો છે. શાળામાં નવા સત્રની શરૂઆત પહેલાં શાળાના આચાર્ય શ્રમજીવી વિસ્તારમાં માઈક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રચાર કરે છે આ ઉપરાંત મરાઠી ભાષામાં પેમ્ફલેટ વહેંચીને ઘરે ઘરે વહેચી રહ્યા છે. આચાર્યના આ પ્રયાસને કારણે અનેક વિદ્યાર્થીઓ અક્ષર જ્ઞાન મેળવતા થયા છે.
ભારતમાં સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી મહાનગરપાલિકા છે જે ધોરણ 1 થી 8 માટે એક બે નહી પરંતુ અંગ્રેજી સાથે સાત ભાષામાં શાળા ચલાવી બાળકોને પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. રોજગારીમાં સુરત અગ્રેસર હોવાથી અહીં અનેક રાજ્યોના લોકો રોજગારી માટે આવે છે અને વસવાટ કરે છે. સુરતમાં વસતા લોકો માટે પાલિકા દ્વારા તેમની ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવા માટે ગુજરાતી ઉપરાંત અન્ય છ ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સમિતિની શાળામાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, તેલુગુ અને ઉડીયા ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં પણ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
સુરત પાલિકામાં પહેલા અનેક પ્રાથમિક શાળા પતરાવાળી શાળા તરીકે ચાલતી હતી,. આવી જ એક શાળા પાંડેસરાના નાગસેન નગર શાળા ક્રમાંક 222 છે જે પણ પહેલા પતરાવાળી શાળા તરીકે ઓળખાતી હતી. જોકે, સમય જતાં પાલિકાએ આ શાળા પણ પાકી બનાવી છે અને તેમાં સ્ટાફની ભરતી પણ કરી છે પરંતુ આ વિસ્તાર મોટા ભાગનો શ્રમજીવી વિસ્તાર હોવાથી વાલીઓ સવારથી જ કામ ધંધે જતા રહેતા હોય જેના કારણે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી થતી ન હતી. જોકે, આ કેમ્પસમાં બે મરાઠી શાળા ચાલી રહી છે શાળાના આચાર્ય ચંદ્રશેખર નિકમ 2018થી અહીં આચાર્ય તરીકે જોડાયા હતા.
આ વિસ્તારના શ્રમજીવી વિસ્તારના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ તેમની ભાષા એટલે કે મરાઠીમાં મળે તે માટે પ્રયાસ શરૂ કર્યો હતો. તેઓ સત્ર શરૂ થવાનું હોય એટલે માઈક અને સ્પીકર લઈ સોસાયટી કે શ્રમજીવી વસાહતમાં પહોંચે છે. તેઓ મરાઠી ભાષામાં જ લોકોને શાળા અંગે માહિતી આપે છે અને મરાઠી ભાષામાં પ્રિન્ટ કરાવેલું પેમ્ફલેટ પણ વિતરણ કરી માહિતી આપવામાં આવે છે. જેમાં પાલિકા દ્વારા વિના મૂલ્યે અભ્યાસ, પાઠ્યપુસ્તક, બુટ મોજા સહિતની સુવિધા આપવામાં આવે છે તે માહિતી પૂરી પાડે છે. આચાર્ય અને શિક્ષકોની આ પ્રયાસને કારણે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને અનેક શ્રમજીવીની બાળકો તેમની ભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે.
Mother Language
Primary Education