Bomb Threat at Surat District Court: ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરુચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક અજાણ્યા શખ્સે સોમવારે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઇડી પર મેલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે.
પાંચેય કોર્ટમાં પ્રવેશબંધી કરીને ઝીણવટભરી તપાસ શરુ
આ ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટ તેમજ અન્ય તમામ જિલ્લાની કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે. એટલું જ નહીં, આ સિવાય ન્યાયિક કામગીરી પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ છે. વહીવટી તંત્રએ વકીલો, સ્ટાફ અને અસીલોને સલામત રીતે પરિસરની બહાર મોકલી દીધા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા પાર્કિંગ, કેન્ટીન અને કોર્ટ બિલ્ડિંગના દરેક માળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
ભારત બહારથી ધમકીભર્યા ઈ-મેલ કરાઈ રહ્યા છેઃ ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP અજિત રાજિયનના જણાવ્યા મુજબ, ગઈકાલથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. અત્યારે અમારી ટીમ આ અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકીના ઈ-મેલ ભારત બહારથી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના મેલ કરીને પેનિક સર્જવાનો પ્રયાસ કરાતો હોવાનું લાગી રહ્યું છે. આ દિશામાં અમારી ટીમ દ્વારા તપાસ ચાલુ છે.
મોડી રાત્રે 2 વાગ્યે મળ્યો ધમકીભર્યો મેલ
મળતી વિગતો અનુસાર, અમદાવાદ અને સુરતની કોર્ટના સત્તાવાર મેલ આઇડી પર સોમવારે રાત્રે આશરે 2:00 વાગ્યે અંગ્રેજીમાં એક ઈ-મેલ આવ્યો હતો. આ મેલમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકો (RDX) દ્વારા ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આજે વહેલી સવારે જ્યારે કોર્ટના કર્મચારીઓએ ફરજ પર આવીને મેલ ચેક કર્યો, ત્યારે આ બાબત સામે આવી હતી.

પ્રિન્સિપલ જજ એક્શનમાં, કામકાજ સ્થગિત
આ મેલની ગંભીરતાને જોતાં કર્મચારીઓએ તુરંત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરી હતી. જજ સાહેબે તાત્કાલિક અસરથી પોલીસ તંત્રને સતર્ક કરવા આદેશ આપ્યા હતા. જ્યાં સુધી પ્રિન્સિપલ જજ દ્વારા નવો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોર્ટનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુરક્ષા એજન્સીઓનું સઘન સર્ચ ઓપરેશન
આ ધમકી મળતાંની સાથે જ સુરત પોલીસની વિવિધ પાંખો હરકતમાં આવી ગઈ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટના સમગ્ર પરિસરને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો તપાસમાં જોડાઈ છે. કોર્ટના ખૂણેખૂણા, ચેમ્બર્સ અને પાર્કિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે 'રાત્રે 2 વાગ્યે RDXથી કોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી. સવારે સ્ટાફે મેલ જોતાં જ જજ સાહેબને જાણ કરી અને વગર વિલંબે પોલીસને બોલાવી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે અને જજ સાહેબના આદેશ સુધી કામકાજ બંધ રહેશે.'
અમદાવાદ બાદ હવે સુરત નિશાન પર
ગઈકાલે જ એટલે કે 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ(ઇન્કમટેક્સ પાસે)ને પણ આ જ પ્રકારે ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી. અમદાવાદમાં પણ નવરંગપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને ધમકી મળતાં રાજ્યની સુરક્ષા એજન્સીઓ હવે આ મેલ મોકલનારના મૂળ સુધી પહોંચવા સાયબર ક્રાઇમની મદદ લઈ રહી છે.


