સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા
Surat Diamond Theft Case: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરી થતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યાનુસાર, રવિવારે (17 ઓગસ્ટ)ના રોજ હીરાની ચોરી કરવા માટે 5 શખસો બે રિક્ષા લઈને આવ્યા હતા. જેમાં એક રિક્ષામાં 3 અને બીજી રિક્ષામાં 2 ચોર અને ગેસકટર હતું. રવિવાર રાતેના બે વાગ્યાની આસપાસ ચોરી બાદ સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની આશંકા છે.
જાણો શું છે મામલો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામે હીરાના બે કારખાના આવેલા છે. બંને કારખાના 48 વર્ષીય દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી અને બે પુત્ર અને પરિવારજનોના નામે ચાલે છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી કારખાનું ચાલુ રાખ્યુ હતું. ત્યારબાદ કર્મચારીઓને સાતમ-આઠમની બે દિવસની રજા આપવામાં આવી હોવાથી કારખાનું બંધ હતું. તે દમિયાન તસ્કરો બિલ્ડિંગમાં પ્રવેશવાના મેઇન ગેટની લોખંડની જાળીનું લોક તોડીને અંદર દાખલ થયા હતા. અને ઓફિસમાં મુકેલી લોખંડની તિજોરીમાં ગેસ કટરથી ભાકોરું પાડી દીધું હતું. ત્યારબાદ તિજોરીમાં મુકેલા ડાયમંડ કિંગ પેઢીના 5746. 24 કેરેટ પોલિશ્ડ હીરા અને 87068.35 કેરેટ રફ હીરા, જ્યારે ડી.કે એન્ડ સન્સ પેઢીના 3163.58 કેરેટ પોલિશ્ડ હીરા અને 16,583.72 કેરેટ રફ હીરા મળી કુલ 32.48 કરોડ રૂપિયાના હીરા અને અંદર મુકેલા રોકડા 5 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા.
ચોરીના બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા
તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને 50 હજાર રૂપિયાનું નુક્સાન કર્યું હતું. તેમજ ઓળખ છતી ન થાય તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. માહિતી મુજબ ઘટના વેળા બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો. બિલ્ડિંગના મેઈન ગેટને પણ નાનકડું તાળુ મારેલું હતું. નોંધનીય છે કે, કપુરવાડી વિસ્તારમાં ઘણાં બધા હીરાના કારખાના છે, છતા અંદરના ભાગે બિલ્ડિંગમાં ચોથા માળે આવેલા આ કારખાનાને નિશાન બનાવવામાં આવતા જાણભેદુની સંડોવણીની શંકા છે. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થતા કરોડો રૂપિયાની ચોરીની ઘટના બાદ સુરત સિટી પોલીસ તસ્કરોને પકડવા ચારે દિશામાં દોડતી થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, 'ઓપરેશન અનામત' આંદોલન ઉગ્ર બન્યું
300 કરોડ રૂપિયાનું ટર્નઓવર છતા સિક્યુરિટી ગાર્ડ નહોતો!
સુત્રોના જણાવ્યાનુસાર, ચૌધરી પરિવારની આ બે હીરાની પેઢીમાં વર્ષે 300 કરોડ રૂપિયાનું ટનઓવર થાય છે. જોકે, સાતમ-આઠમની રજા દરમિયાન એકેય સિક્યુરીટી ગાર્ડ તહેનાત નહોતો.
તિજોરી પર બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના ફુટેજના આધારે શરૂ કરેલી તપાસમાં બે થી ત્રણ અજાણ્યા ચોરી કરવા રીક્ષામાં આવ્યા હોવાનું જણાયું છે. ફોરેન્સિક વિભાગે સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી પણ મળી આવી છે. તિજોરી પરથી બે થી ત્રણ વ્યકિતના ફિંગર પ્રિન્ટ પણ મળી આવ્યા છે.