સુરતમાં સિંગતેલ અને પામોલીન તેલમાં બનેલા ફાફડા એક જ ભાવે વેચાયા, ઘીના નામે તેલની જલેબી પધરાવાઈ
Surat: દશેરાના પાવન પર્વે સુરતમાં હજારો કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થયું, પરંતુ આ મીઠા પર્વમાં કેટલાક લેભાગુ વેપારીઓની લાલચને કારણે સુરતી ગ્રાહકોને કડવો અનુભવ થયો છે. સિંગતેલ અને શુદ્ધ ઘીના નામે પામોલીન તેલ અને ભેળસેળયુક્ત વસ્તુઓ ઊંચા ભાવે પધરાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો બહાર આવવા લાગી છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, શું દશેરા પહેલાં હેલ્થ વિભાગ દ્વારા મોટાપાયે ચેકિંગ કરવાના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો?
'ટકે શેર ભાજી, ટકે શેર ખાજા' જેવો ઘાટ: ફાફડામાં ભાવ એક, તેલ અલગ
સુરતની મોટાભાગની દુકાનોમાં દશેરા નિમિત્તે સિંગતેલ કે કપાસિયા તેલમાં બનેલા ફાફડાનું વેચાણ રૂ. 500 પ્રતિ કિલોના ભાવે થયું હતું. પરંતુ, ફાફડાની જંગી ડિમાન્ડ જોઈને કેટલાક લેભાગુ વેપારીઓએ આ ભાવનો ગેરલાભ ઉઠાવ્યો.આ વેપારીઓએ પામોલીન તેલ કે ભેળસેળિયા તેલમાં બનેલા ફાફડા પણ રૂ. 500 કિલોના ભાવે જ ગ્રાહકોને પધરાવી દીધા હતા. આજના દિવસે સિંગતેલ-કપાસિયા તેલમાં બનેલા ફાફડા અને પામોલીન તેલમાં બનેલા ફાફડા બંનેને એક જ ભાવે વેચીને વેપારીઓએ 'ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા' જેવો ઘાટ સર્જ્યો હતો. ફાફડાનો ઉપયોગ કર્યા બાદ ગ્રાહકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
ઘી-જલેબીના નામે તેલમાં બનેલી જલેબી પધરાવાઈ
ફાફડાની જેમ જલેબીના વેચાણમાં પણ લેભાગુ વેપારીઓએ ગ્રાહકોને ધક્કો પહોંચાડ્યો હતો. દશેરાના દિવસે મોટાભાગે શુદ્ધ ઘીની જલેબીની માંગ હોય છે. કેટલાક વેપારીઓ અને ઓર્ડર લેનારા કેટરર્સવાળાઓએ એક ચાલાકી અપનાવી: તેઓએ સામાન્ય દુકાનોમાંથી તેલમાં બનેલી જલેબીનો જથ્થો ખરીદ્યો, તેના પર ઘી ઓગાળી અને એલચીનો ભૂકો નાખી દીધો. આ રીતે, તેલમાં બનેલી જલેબીને શુદ્ધ ઘીની જલેબી તરીકે ઊંચા ભાવે વેચી દીધી.
હેલ્થ વિભાગનો 'દેખાડો': બેદરકારી પ્રજાના સ્વાસ્થ્ય માટે જોખમી
આ સમગ્ર છેતરપિંડીની ઘટનામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે દશેરા પહેલાં હેલ્થ વિભાગ દ્વારા મોટાપાયે ચેકિંગ કરવાના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો. તહેવારના થોડા દિવસો અગાઉ તેલ, લોટ સહિતના નમૂના લેવા છતાં તેની કોઈ જ અસર જોવા મળી નહોતી.
લેભાગુ વેપારીઓ બેફામ રીતે અખાધ્ય અને સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા ફાફડા-જલેબી વેચતા રહ્યા અને હેલ્થ વિભાગ ઉંઘતું રહ્યું. રાજ્યમાં હેલ્થ વિભાગ દ્વારા તહેવારો પહેલાં કરાતું ચેકિંગ માત્ર ઔપચારિકતા બની ગયું છે. ચેકિંગ બાદ લેવાયેલા નમૂનાનો રિપોર્ટ લોકો વાનગીઓ આરોગી જાય પછી, મહિનાઓ બાદ આવે છે. સમયસર પગલાં અને રિપોર્ટનો અભાવ ગ્રાહકોના પૈસાની સાથે સાથે તેમના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગ્રાહકો હવે આવા વેપારીઓ સામે અને હેલ્થ વિભાગની બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.