Gujarat

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
સુરતના ડભોલી વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજપૂત ફળિયામાં રહેતા એક નવપરિણીત દંપતીએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં દંપતીએ આત્મઘાતી પગલું ભરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું

Surat News: સુરતના ડભોલી વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજપૂત ફળિયામાં રહેતા એક નવપરિણીત દંપતીએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં દંપતીએ આત્મઘાતી પગલું ભરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

એક જ રૂમમાં બંનેના લટકતા મૃતદેહ મળ્યા

મળતી માહિતી અનુસાર, ડભોલી ગામના રાજપૂત ફળિયાની એક ચાલના રૂમમાં 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ સાથે મળીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોએ જ્યારે રૂમમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લગ્નજીવનની હજુ તો શરૂઆત જ થઈ હતી ત્યાં જ બંનેના અકાળે અવસાનથી ફળિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: તૈયાર ખીરાના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર

ભાવેશ અને તેજલના લગ્ન ગત વર્ષે જ ખૂબ જ ધામધૂમથી થયા હતા. પડોશીઓના જણાવ્યાનુસાર, આ દંપતી વચ્ચે ક્યારેય કોઈ મોટો ઝઘડો કે વિખવાદ જોવા મળ્યો નહોતો. લગ્નના આટલા ટૂંકા સમયમાં અને સુખી જણાતા દંપતીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન હાલ સૌને મૂંઝવી રહ્યો છે. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ 'સુસાઈડ નોટ' પણ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસે પંચનામું કરી પુરાવા એકત્ર કર્યા

ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી, સ્થળ પર પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.