સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુકસાન
Surat : સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજમાંથી કલર કેમિકલવાળું પાણી ઘૂસી ગયું હતું. ગઈકાલે રાત્રે લિંબાયતના કબ્રસ્તાનમાં કેમિકલવાળું પાણી કેટલીક કબર અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું. આવા પાણીના કારણે વૃક્ષ અને કબરને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કબ્રસ્તાનમાં આવા પ્રકારનું પાણી ફરી વળતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે એવી પણ ચીમકી આપી હતી કે લિંબાયત ઝોન ભાજપ કાર્યાલય હો તેવી રીતે કામગીરી કરે છે હવે પછી આ પ્રકારની સમસ્યા થશે તો ઝોન કચેરીએ તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
સુરત પાલિકાના ઉધના લિંબાયત સહિત અનેક વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની અનેક ફરિયાદ છે. આ ફરિયાદ બાદ પાલિકાએ સંખ્યાબંધ તપેલા ડાઈંગને સીલ કરી છે જોકે, પાલિકાની આ કામગીરી બાદ પણ પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ બંધ થઈ નથી. પાલિકાની કામગીરી બાદ પણ અનેક વિસ્તારમાં કેમિકલવાળું પાણી આવી રહ્યાં છે. ગઈકાલે રાત્રે લિંબાયતના ગોવિંદ નગર વિસ્તારમાં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવ્યું છે. આ કબ્રસ્તાનમાં કેમિકલવાળું પાણી ઘુસી ગયું હતું.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને મુસ્લીમ સમાજના અગ્રણી અસમાત સલાસાએ કહ્યું હતું કે, આ વિસ્તારના અનેક ઔદ્યોગિક એકમો છેલ્લા ઘણા સમયથી બારોબાર કેમિકલયુક્ત પાણીનો ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરી રહ્યાં છે. ગઈકાલે પણ ગોવિંદ નગર પાસે આવેલ રાવનગર કબ્રસ્તાનમાં ગઈકાલે કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા. અનેક કબર અને વૃક્ષની આસપાસ આ જોખમી કેમિકલવાળું પાણી ફરી વળ્યું હતું તેના કારણે પર્યાવરણ સાથે કબરને પણ નુકસાન થયું છે અને અને સમાજની લાગણી દુભાઈ રહી છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે પાલિકાની આ ગંભીર બેદરકારીને કારણે સમાજમાં ભારે રોષ છે. પાલિકાની લિંબાયત ઝોન કચેરી પાલિકા અને લોકોના કામ કરવાના બદલે ભાજપ કાર્યાલય બનીને કામગીરી કરી રહી છે પરંતુ લોકોની સમસ્યાનું ધ્યાન રાખતી નથી. જો આ પ્રકારની ગંભીર બેદરકારી ફરી વાર થશે તો લિંબાયત ઝોન કચેરીને તાળા મારવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.