Gujarat

સુરત પાલિકાની શાળામાં એક તરફ વાંચન-લેખન-ગણન અભિયાન બીજી તરફ બી.એલ.ઓ કામગીરીથી શિક્ષકોની હાલત કફોડી

By GS TEAM
13 Nov 20251 min read
TukuTouch Logo
સમિતિની શાળામાં શિક્ષકોની ઘટ છે અને કેટલીક શાળામાં આચાર્ય દ્વારા શિક્ષકોને બી.એલ.ઓ કામગીરીમાં રજા પણ ન અપાતી હોવાની ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની શાળામાં એક તરફ વાંચન-લેખન-ગણન અભિયાન બીજી તરફ બી.એલ.ઓ કામગીરીથી શિક્ષકોની હાલત કફોડી

Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની સમસ્યા પુરી થતી નથી ત્યાં શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરી એવી મતદાર યાદીની કામગીરી સોંપવામાં આવી છે. જોકે, પાલિકાની શાળામાં 6 થી 16 નવેમ્બર દરમિયાન વાંચન-લેખન-ગણન અભિયાન ચાલી રહ્યું છે જેથી કેટલાક આચાર્ય દ્વારા શિક્ષકોને બી.એલ.ઓની કામગીરી માટે શાળામાંથી રજા આપવામાં આવતી ન હોવાની પણ ફરિયાદ બહાર આવી છે. એક તરફ શિક્ષકોને રજા નથી મળતી તેથી શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તેની સાથે જ અનેક શિક્ષકોને મતદાર યાદી માટે બી.એલ.ઓ કામગીરી સોંપી દેવામાં આવી છે. આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી હોવાથી ફરજિયાત કામગીરી કરવાની છે પરંતુ બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓનું વાંચન, લેખન અને ગણિત કાચું હોવાથી ખાસ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. તેથી કેટલાક આચાર્ય દ્વારા બીએલઓની કામગીરીમાં હોવા છતાં પણ આચાર્ય રજા આપતા ન હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. 

નવેમ્બર મહિનાની 6 થી 16 નવેમ્બર દરમિયાન વાંચન-લેખન-ગણન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ મોટા ભાગના શિક્ષકો બીએલઓ કામગીરીમાં હોવાથી વાંચન-લેખન-ગણન વિદ્યાર્થીઓને કરાવી શકતા નથી. આ અભિયાન પુરું થયા બાદ નિરીક્ષણ માટે સરકારી અધિકારીઓ આવશે અને બાળકોનું વાંચન-લેખન-ગણન કાચું હશે તો શિક્ષકો સામે પગલાં ભરાશે. આવી સ્થિતિમાં શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે.