સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ
Surat : સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે પાલિકાના વિપક્ષે આ રોગચાળા માટે પાલિકાતંત્ર અને ભાજપ શાસકોને જવાબદાર ગણાવ્યા છે. પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરાવી સારવાર અર્થે મેડીકલ ટીમ ઉતારવા તથા પાણીના સેમ્પલની કામગીરી કરવા જણાવ્યું છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણી અને મચ્છરજન્ય રોગના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે પાલિકાના વિપક્ષે પાલિકાની કામગીરી અસરકારક કરવા માટે મ્યુનિ. કમિશનરને એક પત્ર લખ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું છે કે, દૂષિત પીવાના પાણીના કારણે પાલિકાના વિવિધ વિસ્તારોમાં ઝાડા તથા ઉલટી તેમજ ટાઇફોઇડ તથા ડેંગ્યુના જીવલેણ રોગચાળાએ છેલ્લા એક માસમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિ માટે પાલિકાના નિષ્ફળ શાસકો અને તંત્ર જવાબદાર છે.
માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ડેન્ગ્યુની ઝપેટમાં પાલિકાના ઉચ્ચ અધિકારી પણ આવી ગયાં છે. પાલિકા સંચાલિત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે પાલિકા તંત્ર કામગીરીના આંકડા જાહેર કરીને સંતોષ માને છે. સુરતમાં હજી સ્થિતિ વકરી શકે તેમ હોવાથી રોગચાળો અટકાવવા માટે અસરકારક રીતે સફાઈ કરીને પીવાના પાણીના સેમ્પલ લઈ ચકાસણી કરવા માંગણી કરી છે. આ ઉપરાંત કામગીરીની માહિતી આપવા સાથે રોગચાળા અને મૃત્યુના આંકડા આપવાની પણ માંગણી કરી છે.