સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 600 કરોડની આવક

Surat Corporation : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી બાંધકામ સેક્ટરમાં મંદીની બુમ સાંભળવા મળી રહી છે. એક તરફ મંદીની જ શહેર વિસ્તારમાં 488 મોટા પ્રોજેક્ટના વિકાસ પરવાનગીની ફાઈલ મંજુર કરી દેવામાં આવી છે. તેમાં પણ છેલ્લા અઢી મહિનાની વાત કરવામાં આવે તો 240 વિકાસ પ્રોજેક્ટની ફાઈલને મ્યુનિ. કમિશનર તથા ટીમ મંજૂરી આપી દીધી છે. પાલિકા દ્વારા ધડાધડ વિકાસ પરવાનગીની ફાઈલને મંજુરી આપવામાં આવી રહી છે તેના કારણે પેઈડ એફ.એસ.આઈ. પેટે સુરત પાલિકાની તિજોરીમાં 600 કરોડ જમા થઈ ગયા છે.
સુરતમાં બાંધકામ સેક્ટરમાં મંદી હોવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ સુરત પાલિકામાં મોટા પ્રોજેક્ટ માટે વિકાસ પરવાનગીની ફાઈલ મુકાઈ રહી છે અને તેમાં પેઈડ એફ.એસ.આઈ. પણ બિલ્ડર લઈ રહ્યાં છે. સુરત પાલિકામાં નાણાંકીય વર્ષની શરૂઆતથી જ શહેરમાં નવા મોટા પ્રોજેક્ટ માટેની મંજુરી ફાઈલ આવી રહી છે. મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકલન કરી પ્રોજેક્ટની મંજુરીની ફાઈલનો ઝડપી નિકાલ થઈ રહ્યો છે.
જેના કારણે એપ્રિલ 2025 થી હાલ દિવાળી સુધીના સમયગાળામાં 488 મોટા પ્રોજેક્ટના વિકાસ પરવાનગીની ફાઈલને મંજુરી આપવામા આવી છે. જેમાં છેલ્લા અઢી મહિનાની વાત કરવામાં આવે તો 240 પ્રોજેક્ટને આપી મંજૂરી આપવામાં આવી છે. પાલિકા કમિશનર દ્વારા સંકલન કરવામાં આવતું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં જ સુરત પાલિકાની તિજોરીમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 600 કરોડ જેટલી રકમ જમા થઈ ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ તરફથી 175 પ્રોજેકટોને બીયુસી પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા અઢી-ત્રણ માસમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા પ્લોટ વેલિડેશનની 595 ફાઇલો મંજુર કરવામાં આવી છે.
એપ્રિલથી 18 ઓક્ટોબર સુધીમાં થયેલી કામગીરી
- પેઇડ એફએસઆઇ જમા થયેલ રકમ-597 કરોડ
- બીયુસી આપવામાં આવેલ પ્રોજેકટો-175
- સૈદ્ધાંતિક મંજૂર પ્લાનોની સંખ્યા- 488
- મંજૂર પ્લોટ વેલિડેશનની સંખ્યા- 1319
- ઓફલાઇન મંજૂર પ્લાનની સંખ્યા-162
- ઇ-નગર ઓનલાઇન મંજૂર પ્લાન- 209
- રજા ચિઠ્ઠી આપવામાં આવેલ સંખ્યા- 371

