બાંકડાને પગ આવ્યા? સુરતના ધારાસભ્યના બાંકડા રાજકોટ જિલ્લાના જસદણમાં પહોંચી ગયાં
Surat Controversy : સ્માર્ટ સિટી સુરતમાં પાલિકા અને ધારાસભ્યો-સાંસદોની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાંકડાના દુરુપયોગની ફરિયાદો માંડ શાંત પડી હતી ત્યાં હવે એક નવો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. સુરતના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયા હોવાના આક્ષેપ સાથે શહેરના વિપક્ષી કોર્પોરેટરે ફોટોગ્રાફ્સ વાયરલ કર્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે આ બાંકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામડે લઈ ગયા છે, જેને પગલે સુરતના 'સ્માર્ટ બાંકડા' રાજકોટ કઈ રીતે પહોંચ્યા તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
બાંકડાને આવી પાંખો?
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોર્પોરેટર અને ધારાસભ્ય-સાંસદની ગ્રાન્ટમાંથી જાહેર જનતાના ઉપયોગ માટે બાંકડા ફાળવવામાં આવે છે. જોકે, ભૂતકાળમાં પણ આ બાંકડાનો વ્યાપક દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ હતી કે આ બાંકડા લોકોના ટેરેસ, ઘરો, રેસ્ટોરન્ટ કે બોક્સ ક્રિકેટના મેદાનમાં ખાનગી ઉપયોગ માટે મુકવામાં આવી રહ્યા છે. હવે આ દુરુપયોગની હદ સુરતની ભૌગોલિક સીમાઓ વટાવીને રાજકોટ સુધી પહોંચી છે.
સુરતથી રાજકોટ પહોંચ્યા 'સ્માર્ટ બાંકડા'
સુરતના વિપક્ષના એક કોર્પોરેટરે રાજકોટ ખાતે સુરત, કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટના બાંકડા પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ્સ વાયરલ કરીને ખળભળાટ મચાવ્યો છે. આ કોર્પોરેટરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વોર્ડ નંબર ૧૭માંથી ગત કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપમાંથી લડેલા ઉમેદવાર ભરત વડાદોરીયા આ બાંકડાને પોતાના વતન જુના પીપળીયા (તા. જસદણ, જી. રાજકોટ) ખાતે પોતાના ઘરે પહોંચાડી દીધા છે.
ભ્રષ્ટાચારનો નવો અધ્યાય કે ભાજપના ઉમેદવારની ગેરરીતિ?
વિપક્ષી કોર્પોરેટરે આ અંગે કટાક્ષ કરતા કોમેન્ટ પણ કરી છે કે, "ત્યાંના ધારાસભ્ય લોકોને બાંકડા આપતા નથી?" આ ઘટનાએ સુરત પાલિકા અને ભાજપના નેતાઓની ગ્રાન્ટના ઉપયોગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકોના પૈસે ખરીદવામાં આવેલા બાંકડા ખરેખર જાહેર જનતાના ઉપયોગ માટે છે કે પછી વ્યક્તિગત સ્વાર્થ માટે તેનો દુરુપયોગ થાય છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સુરતના બાંકડા છેક રાજકોટ પહોંચી જતા આ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસની માંગ ઉઠી રહી છે.