સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા
Road Accident Surat: સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓને કારણે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકો ખાડામાં પડતાં બાઇક સ્લિપ થઈ ગઈ, જેના કારણે ત્રણેય નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા કન્ટેનરનું ટાયર એક યુવકના માથા પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકોને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ, 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ (એજલ, સુરત) પોતાના બે મિત્રો સાથે બાઇક પર જઈ રહ્યા હતા. અમરોલી વિસ્તારમાં રસ્તા પરના એક ઊંડા ખાડામાં અચાનક તેમની બાઇક સ્લિપ થઈ ગઈ, જેના પરિણામે ત્રણેય યુવકો રસ્તા પર પટકાયા હતા. દુર્ભાગ્યવશ, આ જ સમયે પાછળથી આવી રહેલું એક કન્ટેનર શંભુનાથના માથા પરથી પસાર થઈ ગયું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તત્કાળ પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે શંભુનાથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઈજાગ્રસ્ત બે યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે રસ્તા પરના ખાડાઓની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.