સુરતમાં 'ખાડા મહોત્સવ' યોજી શાસકોને જગાડવાનો પ્રયાસ, જુઓ 'સ્પેસ ટેક્નોલોજી'થી બનેલા રસ્તાના હાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Congress Protest : સુરતમાં વરસાદની મોસમ શરૂ થતાં જ પાણી ભરાવા, ખાડીના પૂર અને હવે શહેરભરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓથી સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ નાગરિકો બિસ્માર રસ્તાઓને કારણે હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ શાસકો ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે આજે પુણા વિસ્તારમાં 'ખાડા મહોત્સવ'ની અનોખી ઉજવણી કરી હતી. અને ખાડા પાસેથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને મીઠાઈ પણ વહેંચી હતી.
ઢોલ-નગારા સાથે ખાડાઓમાં રોપ્યા ભાજપના ધ્વજ
શહેર યુવક કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત અને મહિલા કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાના 'ઉત્સવ પ્રિય' શાસકોને જગાડવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં આ 'ખાડા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઢોલ-નગારા સાથે ખાડાવાળા રસ્તા પર પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને "ભ્રષ્ટ ભાજપ હાય હાય," "ખાડા રાજ નહીં ચલેગા," અને "સુરતની જનતા પરેશાન" જેવા નારા લગાવ્યા હતા. તેમણે રસ્તા પર પડેલા મોટા ખાડાઓમાં ભાજપનો ધ્વજ રોપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ ખખડધજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને મીઠાઈ પણ વહેંચી હતી.
PM મોદીની ઓડિયો ક્લિપ વગાડવામાં આવી
આ વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી "સ્પેસ ટેકનોલોજી"ની વાત કરતી એક ઓડિયો ક્લિપ પણ વગાડવામાં આવી હતી, જેથી તંત્ર અને શાસકોને તેમની કથની અને કરણીનો અહેસાસ કરાવી શકાય. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે આ ખાડાઓ ભાજપના ભ્રષ્ટ શાસકોના ભ્રષ્ટાચારનું પ્રતિક છે.
સુરતીઓની કફોડી હાલત, જીવલેણ સાબિત થઈ રહ્યા છે ખાડા
વરસાદની શરૂઆત સાથે જ સુરતના અનેક વિસ્તારોમાં મોટા ખાડા અને ભુવા પડી રહ્યા છે. આખા સુરત શહેરમાંથી, ખાસ કરીને પૂર્વ અને ઉત્તર ઝોનના વિસ્તારોમાંથી, રોડ પર ખાડા પડવાની અને વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવાની ફરિયાદો મોટા પાયે મળી રહી છે. મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે આસપાસના રસ્તાઓ પણ અત્યંત બિસ્માર બન્યા છે. પાલિકા દ્વારા રોડ રિપેરિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડા ગ્રસ્ત હોવાથી પ્રજાની હાલત દયનીય બની ગઈ છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ રહ્યા છે.

કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરના રસ્તાઓ એટલા ખરાબ છે કે લોકો પોતાનું વાહન લઈને ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું કે જો કોઈ ગર્ભવતી મહિલા આવા રસ્તાઓ પરથી વાહનમાં નીકળે તો તેને રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવી ભયંકર પરિસ્થિતિ છે. મેટ્રો દ્વારા પણ રોડ રસ્તાઓ બ્લોક કરીને ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સુરતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્થાનિક વેપારીઓ પણ ખરાબ રસ્તાઓને કારણે ધંધામાં મંદીનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.
'ઉત્સવમાં મસ્ત' શાસકોને જગાડવાનો પ્રયાસ
આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ભાજપના શાસકો વિવિધ ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો. તેમણે કહ્યું કે, શાસકોને જગાડવાનો સમય આવી ગયો છે, અને તેથી જ આ 'ખાડા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું. યુવક કોંગ્રેસ દ્વારા જાહેર જનતાને ઢોલ-નગારા વગાડીને મીઠાઈ પણ ખવડાવવામાં આવી હતી, જે ભારતીય જનતા પાર્ટી સામેના આ અનોખા વિરોધ પ્રદર્શનનો એક ભાગ હતો.
આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે સુરતના બિસ્માર રસ્તાઓ અને શાસકોની કથિત ઉદાસીનતા પ્રત્યે લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. આ વિરોધ પ્રદર્શન બાદ, હવે સુરત મહાનગરપાલિકા અને શાસક પક્ષ દ્વારા આ મુદ્દે કેવા પગલાં લેવાય છે, તે જોવું રહ્યું.








