સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ

Surat Corporation : સુરતમાં પાલિકા અને ગુજરાત સરકાર સામે અનેક વિરોધ કરનારા સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તાને શહેર પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિષ્ટભંગની નોટિસ ફટકારતા સુરત કોંગ્રેસના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. આગામી દિવસોમાં આ વિવાદ સુરત કોંગ્રેસની જુથબંધીને વધુ વકરાવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત પાલિકાની આગામી ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ પોતાની કવાયત શરૂ કરી દીધી છે. ગત પાલિકાની ચૂંટણીમાં ઝીરો થઈ ગયેલી કોંગ્રેસે હાલમાં જનતા રેડ જેવા કાર્યક્રમ આપ્યા છે. પરંતુ કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડવાના બદલે જુથબંધી શરૂ કરી દીધી છે જેની સીધી અસર પાલિકાની ચૂંટણી પણ પડી શકે છે. હાલમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટને એક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લાગુ નિયમો અને પ્રોટોકોલના માપદંડનું ઉલ્લંઘન કરવા સાથે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ શિષ્ટભંગની નોટિસ આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક વખતથી બારોટ રેલવે તથા અન્ય જગ્યાએ શાસકો સામે વિરોધ કરી રહ્યા છે તેમ છતાં તેમને આપેલી નોટિસ કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસમાં ચાલતી ચર્ચા પ્રમાણે અમિત ચાવડા અને તુષાર ચૌધરીની નિમણુંક થઈ ત્યારે આ ગ્રુપ દ્વારા અભિનંદન આપતા બેનરો લગાવ્યા હતા જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો ફોટો ન હતો. આ ઉપરાંત છઠ પૂજામાં ઉત્તર ભારત જતા મુસાફરોને સુવિધા આપવામાં આવી હતી તે કાર્યક્રમ પણ કોંગ્રેસના પ્રમુખ વિના થયો હતો. જેના કારણે આ વિવાદ ઉભો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ નોટિસ સામે પ્રવકતાએ ત્રણ પાનાનો પત્ર લખ્યો છે જેમાં તેમની નિમણુંક પ્રદેશે કરી છે તેથી નોટિસ આપી ન શકે આ ઉપરાંત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કઈ છે તે જણાવવા પણ પત્રમાં લખ્યું છે. આમ કોંગ્રેસના નવા નેતાઓ જ એક બીજા સામે બાંયો ચઢાવી જુથબંધીને વધુ વકરાવી રહ્યા હોવાની ચર્ચા કોંગ્રેસમાં શરૂ થઈ ગઈ છે.

