સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ જઈ લાલ બાગના રાજાના દર્શન ન કરી શકનારા શ્રીજીના ભક્તો માટે સુરતના કૈલાસ નગરમાં છેલ્લા કેટલાક વખતથી લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર કલાકાર પાસે પ્રતિમા બનાવવામાં આવે છે. તો આ વર્ષે ગણેશ ભક્તોને લાલ બાગના રાજા ને પહેરાવવામાં આવેલા વસ્ત્રો પણ દર્શન માટે મુકવામાં આવ્યા છે જેના કારણે વરસાદી વાતાવરણ હોવા છતાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.
ભારતમાં ગણેશોત્સવમાં મુંબઈના લાલબાગના રાજા નું અનેરુ મહત્વ છે અને સુરતથી પણ હજારો લોકો દર્શન કરવા માટે જાય છે. પરંતુ જે લોકો દર્શન કરવા માટે જઈ શકતા નથી તેવા લોકો માટે સુરતના કૈલાસ નગર ગરબા ચોકમાં સાઈ યુવક મંડળ દ્વારા આવા ભક્તો માટે ખાસ આયોજન કરવામા આવે છે. આ મંડળ દર વર્ષે લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર સંતોષ કામલી પાસે આબેહુબ પ્રતિમા બનાવે છે અને તેની સ્થાપના કરે છે.

મંડળના પરિમલ સોરઠીયા કહે છે, આ વર્ષે લાલબાગના રાજા જેવી પ્રતિમા તો છે તેની સાથે સાથે લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો પણ દર્શન માટે મુકાયા છે. દર વર્ષે આ વસ્ત્રોની હરાજી થાય છે તેમાં 2018માં બાપાને પહેરાવેલા પિતંબર, સાલ, કમર પટ્ટા અને જાંભલા સહિતના વસ્ત્રો સુરતના એક ગણેશ ભક્તે લીધા હતા તેમણે આ વસ્ત્રો ના દર્શન અન્ય ગણેશ ભક્તો કરી શકે તે માટે આપ્યા છે.
મંડળના દર્શનભાઈ કહે છે, આ ગણેશોત્સવમાં બાપાની ભક્તિ સાથે સામાજિક કાર્યો પણ કરવામા આવે છે. રક્તદાન કેમ્પ તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ આ મંડળ દ્વારા કરવામા આવે છે.
અહીં બાપ્પાના દર્શન માટે 24 કલાક ભક્તો માટે દ્વાર ખુલ્લા
સુરતમાં મોટા ભાગે ગણેશ મંડપ દિવસ દરમિયાન બંધ રહે છે અને સાંજથી બાપાના દર્શન માટે ખુલ્લા મુકવામા આવે છે. પરંતુ કૈલાસનગરમાં થયેલું ગણેશ આયોજન એવું છે કે અહી બાપ્પાના દર્શન માટે 24 કલાક ભક્તો માટે દ્વાર ખુલ્લા રાખવામા આવે છે.

શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સવારે આરતી કર્યા બાદ અનેક મંડપ બંધ કરી દેવામા આવે છે અને ત્યાર બાદ સાંજે આરતી પુજા કરીને મંડપ દર્શન માટે ખોલવામાં આવે છે. પરંતુ કૈલાસનગર ગરાબ ચોકમાં લાલબાગના રાજા જેવા ગણેશજીની સ્થાપના થઈ છે ત્યાં 24 કલાક ભક્તો દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે. મંડળના અર્જુન સોરઠીયા કહે છે, જે લોકો મુંબઈ દર્શન કરવા નથી જઈ શકતા તેવા સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના અસંખ્ય ગણેશ ભક્તો દર્શન કરવા માટે અહી આવે છે. પહેલા અન્ય મંડળની જેમ અમે રાત્રીના દર્શન બંધ કરી દેતા હતા પરંતુ દુર દુરથી આવતા ગણેશ ભક્તો નિરાશ થયા હોવાથી અમે અહીં લોકો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંડપના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખ્યા છે. જેના કારણે સવારે છ વાગ્યે નોકરીએ જતા ભક્તો કે રાત્રીના બે વાગ્યે નોકરીથી આવતા ભક્તો કે અન્ય લોકો મોડી રાત્રી કે વહેલી સવાર સુધી દર્શન કરી શકે છે.









