Surat Corporation : સુરત પાલિકાની આગામી ચૂંટણી પહેલાં ભાજપ-આપ ચૂંટણી માટે તડામાર તૈયારી કરી રહી છે તો બીજી તરફ સુરત કોંગ્રેસ વેર વિખેર થઈ રહી છે. કોંગ્રેસના નવા શહેર પ્રમુખ જાહેર કર્યા બાદ સિનિયર નેતાઓની અવગણના તથા અન્ય કારણોથી અનેકે હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે. તો આજે જુથબંધીથી કંટાળીને પ્રદેશના માજી મંત્રીએ તો કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી જ રાજીનામું આપી દીધું છે. ગઈકાલે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતને દારૂ અને ડ્રગ્સના દુષણ સામે આક્રમક રેલી કાઢી હતી પરંતુ તેમાં શહેર કોંગ્રેસ પ્રમુખને જ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેથી પ્રમુખ વિના જ પ્રભાવક રેલી નીકળી હતી. હવે સુરત કોંગ્રેસ આગામી દિવસોમાં પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે તૈયારી કરી રહી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી તડામાર તૈયારીમાં લાગી ગઈ છે, ત્યાં સુરત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ખુલ્લેઆમ સામે આવી છે. શહેર કોંગ્રેસ એક જૂથ થઈ ચૂંટણી લડશે તેવી શક્યતા હવે નહિવત દેખાઈ રહી છે. શહેર કોંગ્રેસ જુથબંધી ડામવામાં સદંતર નિષ્ફળ નીવડી છે તેથી જુથબંધીની આગમાં સુરત કોંગ્રેસ સંગઠન સળગી રહ્યું છે. સુરત કોંગ્રેસના પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાલાની નિમણુંક બાદ શહેર કોંગ્રેસની હાલત કફોડી થઈ રહી છે. તેમાં પણ પ્રમુખ સાથે સંગઠનની ટીમ જાહેર કરી તેમાંથી અનેકે હોદ્દો સ્વીકારવાનો ઈન્કાર કરી રાજીનામા આપી દીધા હતા. એક પખવાડિયા પહેલા મહિલા કોંગ્રેસ દ્વારા પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરી રાજીનામા આપી દીધા હતા.
આ વિવાદ ઠંડો પડે તે પહેલા કોંગ્રેસના માજી પ્રદેશ મંત્રી ફિરોજ મલેકે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ અને સાથ છોડી દીધો છે. નવા પ્રમુખની નિમણૂક બાદ સતત સિનિયરોની અવગણના થઈ રહી હોવાની ફરિયાદ થઈ રહી છે તેમાં વધુ એક ફરિયાદ બહાર આવી છે. આ રાજીનામું માત્ર વ્યક્તિગત નિર્ણય નહીં પરંતુ સંગઠન સામે ઊભેલા ગંભીર પ્રશ્નોની ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.
સુરત શહેરમાં લાંબા સમય બાદ ગઈકાલે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતને દારૂ અને ડ્રગ્સના દુષણ સામે આક્રમક રેલી કાઢવામાં આવી. આશ્ચર્યની વાત એ રહી કે આ રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું. પરિણામે, સુરતમાં પહેલી વખત એવી સ્થિતિ સર્જાઈ કે કોંગ્રેસની પ્રભાવી અને મોટી રેલી શહેર પ્રમુખની ગેરહાજરીમાં નીકળી. આ ઘટનાએ સંગઠનમાં ચાલી રહેલી અંદરખાને ખેંચતાણને ખુલ્લી પાડી દીધી છે. રેલીમાં શહેર પ્રમુખ ન હોવાના કારણે અનેક અટકળો ચાલી રહી છે.
આ પરિસ્થિતિ વચ્ચે શહેર કોંગ્રેસ હવે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા સામે અલગથી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. જોકે, આંતરિક જૂથબંધી દૂર કર્યા વિના અને સંગઠનને એક સૂત્રમાં બાંધ્યા વિના આવા વિરોધ પ્રદર્શન માત્ર દેખાવ પૂરતા જ રહેશે તેવી ચર્ચા રાજકીય ચર્ચા શરુ થઈ ગઈ છે. પાલિકા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરત કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર વિરોધ નહીં, પરંતુ પોતાનું ઘર સંભાળવાનો બની ગયો છે છેલ્લા ઘણા સમયથી સુરત કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમાએ છે તેમ છતાં પ્રદેશ દ્વારા પણ આ જુથબંધી ડામવા કે બધા જુથને એક સાથે રાખી કામગીરી કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી તે આશ્ચર્યની વાત છે.


