Surat News: ડાયમંડ સિટી સુરતમાં જાહેર પરિવહન સેવા સમાન સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે(2 જાન્યુઆરી) શહેરના અમરોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર 15થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી છે.
ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી
મળતી માહિતી મુજબ, સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસ તાત્કાલિક ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની ઝપટમાં આવી ગઈ હતી.
મુસાફરોનો ચમત્કારિક બચાવ
આગ લાગતા જ બસમાં સવાર 15થી વધુ મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદી પડ્યા હતા. સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.


