Get The App

સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા, માથામાં મોબાઈલ માર્યો; ઘટના CCTVમાં કેદ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા, માથામાં મોબાઈલ માર્યો; ઘટના CCTVમાં કેદ 1 - image


Attack On Surat BRTS Bus Driver: સુરત શહેરમાં BRTS બસના ડ્રાઈવર પર બુરખો પહેરીલી મહિલા મુસાફરે હિંસક હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં બનેલી આ ઘટનામાં મહિલાએ ડ્રાઈવરને માર મારતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલા પાછળ અગાઉના દિવસે બસ ઉભી રાખવા બાબતે થયેલી તકરાર કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

બસ ડ્રાઈવરના જણાવ્યાનુસાર, સુરત BRTS બસ વાય જંકશનથી સુરત સ્ટેશન તરફ જઈ રહી હતી. આ દરમિયાન બુરખો પહેરીને બસમાં ચડેલી એક મહિલાએ અચાનક ડ્રાઈવરની સીટ પાસે પહોંચી ડ્રાઈવરનો કોલર પકડી લીધો હતો અને તમાચા ઝીંકવાનું શરૂ કર્યું હતું.

મહિલાએ તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન ડ્રાઈવરના માથામાં જોરથી ફટકાર્યો હતો, જેના કારણે ડ્રાઈવરને માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આ સમગ્ર હિંસક ઘટના બસની અંદર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં મહિલાની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ પણ વાંચો: પંચમહાલ: પાનમ સિંચાઈ વિભાગના અધિકારીની ₹33 લાખની 'કાળી કમાણી'નો પર્દાફાશ, ACBએ નોંધ્યો ગુનો

એક દિવસ પહેલાની અદાવત

બસ ડ્રાઈવરે વેસુ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, એક દિવસ પહેલા આ મહિલાએ બસને નિયત સ્ટોપ સિવાય અધવચ્ચે ઊભી રાખવા કહ્યું હતું. ડ્રાઈવરે નિયમ મુજબ બસ ઊભી રાખવાની ના પાડતા મહિલા ઉશ્કેરાઈ હતી. આ બાબતે મનદુઃખ રાખી મહિલાએ બીજા દિવસે જાણીજોઈને તે જ બસમાં ચડીને ડ્રાઈવર પર હુમલો કર્યો હતો.

ઈજાગ્રસ્ત ડ્રાઈવરની ફરિયાદના આધારે વેસુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાહેર સેવામાં ફરજ બજાવતા કર્મચારી પર થયેલા આ હુમલાને લઈને અન્ય ડ્રાઈવરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરી તેની ધરપકડ કરવાની તજવીજ કરી રહી છે.