સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ, સીટીલિંકના મેનેજરને નોટિસ આપવા માગણી
Surat BRTS DJ Party : સુરત પાલિકા સંચાલિત બીઆરટીએસ બસમાં પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના ડી.જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરટીએસના 18 કિલોમીટરના રૂટ પર ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ બાદ હવે ડી.જે. પાર્ટીના પડઘા પડી રહ્યાં છે. પાલિકાની બસમાં બારોબાર મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજરને ટર્મીનેટ કરવા અને પાલિકાના કર્મચારી એવા સીટી લિંકના મેનેજરને નોટિસ આપી સસ્પેન્ડ કરવા સુધીની માંગણી ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે કરી છે.
સુરતમાં સામુહિક પરિવહન સેવા માટે પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસ શરુ કરી છે અને તેમાં પતિ રોજ બે લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. પરંતુ થોડા દિવસ પહેલા સીટી બસને પ્રમોટ કરવાના નામે શહેરની એક સંસ્થાએ ડીજે પાર્ટી કરી દીધી હતી તેનો વિડીયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો અને વિવાદ ઉભો થયો છે. પાલિકાની બસમાં આવા પ્રકારની મંજૂરી કઈ રીતે મળી તે પ્રશ્ન ઊભો થયો હતો.
પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠે અને સીટી લિંકના વડા ડે.કમિશનર ભોગાયતા પણ આ ડીજે પાર્ટીથી અજાણ હતા અને મંજુરી ન આપી હોવાની વાત કરી હતી. ચેરમેને સીટીલિંકના વડાને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરવા તથા જવાબદાર સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવાની માંગણી કરી છે. ઓ.એન.જી.સી.થી સરથાણાના 18 કિલોમીટર પર દોડતી બસમાં ડી.જે. વગાડવાની મંજુરી સુરત સીટીલિંક લિમિટેડના જનરલ મેનેજર પ્રવિણ પ્રસાદ અને આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન) ચૈતલ પ્રજાપતિ (કરારીય) દ્વારા આપવામાં આવી હતી. જોકે, આ મંજુરીની જાણ પાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટી કે સીટીલિંકના વડાને જાણ કરવામા આવી ન હતી અને મૌખિક પરવાનગી આપવામાં આવી હતી.
આ મામલે પાલિકા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ અને પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હોવાથી ચાલુ બસમાં ડીજેની પરવાનગી આપનારા આસી.મેનેજર (ઓપ.) ચૈતલ પ્રજાપતિ (કરારીય) ને તેઓનો કરારીય કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી ટર્મીનેટ કરીને તેઓને છૂટા કરવા અને પાલિકાના કર્મચારી અને સીટી લિંક મેનેજર એવા પ્રવિણ પ્રસાદને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવે અને ખુલાસાના ગુણદોષ જોઈને તેમની સામે પગલાં ભરવામાં આવે તેવા પ્રકારની માગણી ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષે કરી છે.