Get The App

સુરત ભાજપના અલગ-અલગ માપદંડ : પક્ષે સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયાનનો અધ્યક્ષ બનાવાયા હતા પણ સસ્પેન્ડ થયેલાને પ્રમુખ નહીં બનાવાશે

Updated: Jan 6th, 2025

GS TEAM

Google News
Google News
સુરત ભાજપના અલગ-અલગ માપદંડ : પક્ષે સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયાનનો અધ્યક્ષ બનાવાયા હતા પણ સસ્પેન્ડ થયેલાને પ્રમુખ નહીં બનાવાશે 1 - image


Surat BJP : આગામી ચૂંટણીને ધ્યાને રાખેને ભાજપે સંગઠન મજબૂત બનાવવા માટે વોર્ડ પ્રમુખની નિમણુંક કરી છે અને હવે શહેર પ્રમુખ માટે કવાયત હાથ ધરી છે. ભાજપે શહેર પ્રમુખ માટે ક્રાઈટેરિયા નક્કી કરાયા છે તેમાં પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ તથા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં તેવા ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. જોકે, આ પહેલા સંગઠન પર્વ શરુ કરાયું હતું તેમાં આ ક્રાઈટેરિયા ન હોવાથી ભુતકાળમાં સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયનની જવાબદારી સોંપી હતી. આમ સંગઠન પર્વ અને સંગઠન પ્રમુખ માટે ભાજપના ક્રાઈટેરિયા અલગ-અલગ છે તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે.

સુરત ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કવાયત શરૂ થઈ છે અને વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર પ્રમુખ માટે નિરીક્ષકો આવ્યા હતા. સુરત શહેરમાં હાલમાં 30 વોર્ડના પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, 30માંથી પાંચ વોર્ડ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે તેમની સામે ભાજપ વિરોધમાં કામ કરવા તથા અન્ય આક્ષેપ કરવામાં આવ્યા છે. ગઈકાલે શહેર પ્રમુખના દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા તેમાં 70 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે. જોકે, નિરીક્ષકો આવે તે પહેલાં ભાજપે શહેર જિલ્લા પ્રમુખ માટે ક્રાઈટેરિયા જાહેર કર્યા હતા તે અને ભૂતકાળના સંગઠનના હોદ્દેદારના ક્રાઈટેરિયા વિરોધાભાષી હોવાની ચર્ચા શરૂ થઈ છે. 

હાલમાં શહેર પ્રમુખ માટેના ક્રાઈટેરિયામાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ તથા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં તેવો ઉલ્લેખ કર્યો છે. જોકે, થોડા સમય પહેલા ભાજપે દક્ષિણ ઝોનના સંગઠન પર્વની શરૂઆત કરી હતી તેમાં દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ અને પ્રદેશ સંયોજક વ્યવસાયિક સેલના કરશન ગોંડલીયાને દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, 2014ના સદસ્યતા અભિયાન વખતે ગોંડલીયા સામે મહિલાને મેસેજ કરવાના આક્ષેપ થયા હતા અને તેમને યુવા મોરચાના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કર્યા હતા. તેમને આ સદસ્યતા અભિયાન વખતે દક્ષિણ ઝોનના ઈનચાર્જ બનાવી દેવામાં આવ્યા હતા.

6 મહિના પહેલા શરૂ થયેલા સદસ્યતા અભિયાનમાં સસ્પેન્ડ થયેલાને જો દક્ષિણ ઝોનના સદસ્યતા અભિયાનનો અધ્યક્ષ બનાવાયા હોય તો પછી પ્રમુખ માટે અલગ ક્રાઈટેરિયા કેમ તેવી ચર્ચા ભાજપના કાર્યકરોમાં સાંભળવા મળી રહી છે. 

સુરતને મૂળ સુરતી કે સૌરાષ્ટ્રીયન પ્રમુખ મળશે તે અંગે અનેક અટકળો 

હાલમાં સુરત શહેર પ્રમુખ માટે વય મર્યાદા હટાવી દેવામાં આવી છે અને આ પદ માટે સુરતીઓ સાથે સૌરાષ્ટ્રીયન બન્ને તરફે જોરદાર દાવેદારી કરવામાં આવી છે.  જોકે, આ પદ માટે હાલના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વફાદાર રહે તેવા જ પ્રમુખ બનશે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. 

આ ઉપરાંત હાલમાં કોર્પોરેટરો છે કે અન્ય કોઈ હોદ્દેદાર છે તેને શહેર પ્રમુખ બનાવે તેવી અટકળ સામે એક વ્યક્તિ એક હોદ્દાની વાત વહેતી થઈ છે તો બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે સી.આર.પાટીલ મંત્રી, સાંસદ સાથે પ્રદેશ પ્રમુખ હતા તેથી આવી રીતે કોઈ પણ બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ સાથે કેટલાક દાવેદારો તો એવા છે જેઓ પાલિકાની ગત ચુંટણી હારી ચુક્યા છે અને તેઓએ પણ દાવેદારી કરી છે.

Tags :