'કેચ ધ રેન' અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતમાં વર્ષો પહેલા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વોટર હાર્વેસ્ટીંગ માટે પાલિકાએ પોલીસી બનાવી હતી. પરંતુ પાલિકાને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.. પરંતુ હાલમાં જળ શક્તિ મંત્રાલયમાં નવસારીના સાંસદ આવ્યા બાદ સુરત પાલિકાએ પોલીસીમાં અનેક ફેરફાર કર્યા છે તેના કારણે હવે જળ સંચય કામગીરીમાં સુરત ગુજરાતમાં પ્રથમ અને દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે. સુરતની આ સિદ્ધિ બદલ દિલ્હી ખાતે એવોર્ડ અને બે કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામા આવ્યો છે.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના જળ શક્તિ અભિયાન-2024 કેચ ધ રેન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સુરત પાલિકા વિસ્તારમાં 10969 જેટલી ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સીસ્ટમની કામગીરી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને કૃત્રિમ રીતે જમીનમાં ઉતારવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરીમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ કામગીરીમાં "મ્યુનિસિપલ કોર્પોરેશન" કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલી એકમાત્ર મહાનગરપાલિકા છે. જ્યારે દેશની કામગીરીની વાત કરવામાં આવે તો દેશમાં સુરતનો છઠ્ઠો ક્રમાંક આવ્યો છે.
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જળશક્તિ, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સ, રીવર ડેવલપમેન્ટ અને ગંગા રિજુવિનેશન દ્વારા જળ સંચય જન ભાગીદારી 10 એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સમારંભ યોજાયો હતો. જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ અને પાણી સમિતિ અધ્યક્ષ હિમાંશુ રાઉલજીને એવોર્ડ આપવામાં આવ્યો છે.









