VIDEO: સુરતમાં સિક્યુરિટી ગાર્ડે માતા-પુત્રીને મારવાના કેસમાં નવો વળાંક, જાણો ઘટના પાછળની સાચી હકીકત
Surat News : ગુજરાતના સુરતમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર મામલે પુણા પોલીસે તપાસ કરતાં વીડિયોમાં જોવા મળતાં સિક્યુરિટી ગાર્ડ સુરત APMCના હોવાનું સામે આવ્યું હતું. આ પછી પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે માતા-પુત્રીને મારવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ઘટનાનો અન્ય એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં મહિલાની પુત્રીએ સિક્યુરિટી ગાર્ડને પથ્થર માર્યો અને પછી ટોળાએ સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે ડીસીપીએ પ્રતિક્રિયા આપી છે.
માતા-પુત્રીને મારવાની ઘટના
ગુજરાતના સુરતમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં બે શખ્સો માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલા સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો
જ્યારે ઘટનાને લઈને અન્ય એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં જોવા મળે છે કે, સિક્યુરિટી ગાર્ડ જ્યારે એક વ્યક્તિને લઈને જાય છે, ત્યારે એક છોકરી તેના પર પથ્થર ફેંકે છે અને ત્યારબાદ ટોળાએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ
સમગ્ર ઘટના મામલે ડીસીપીએ પ્રતિક્રિયા આપીને ફોળ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત 6 એપ્રિલના રોજનો સુરત APMCના ગેટ નં.2 પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રીને માર મારતા જોવા મળે છે. જો કે, મહિલા તેના પતિ અને પુત્રી અવારનવાર શાકમાર્કેટમાં ચોરી કરવા માટે આવતા હતા. જેથી એ દિવસે સિક્યુરિટી ગાર્ડ મહિલા અને તેના પતિ-પુત્રીની ઓળખ કરી લેતા તેમને અંદર જતા રોક્યા હતા. જેમાં બોલાચાલી થઈ હતી. જેમાં મહિલાના પતિએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું માથુ ફાટી ગયું હતું. જ્યારે અન્ય એકના હાથે ફેક્ચર થઈ ગયું છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રી પર એટેક કર્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.