સુરત : પાલનપોરના લેક ગાર્ડનમાં લાઈટ બંધ થતી હોવાથી અસમાજિક તત્વોનો ત્રાસ, ગોરખધંધા થઈ રહ્યા હોવાની ફરિયાદ છતાં પાલિકા નિંદ્રાધીન
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં બે વખતે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ પાલનપોર લેક ગાર્ડનમાં રોજ બ્લેક આઉટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ગાર્ડનમાં રોજ લાઇટ બંધ થઈ જતી હોય મુલાકાતીઓને મુશ્કેલી થઈ રહી છે. આ લાઈટ બંધ થતા ગોરખ ધંધા કરનારા અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. ગાર્ડનના મુલાકાતીઓ દ્વારા અનેક વખત ફરિયાદ છતાં પાલિકાના તંત્રનું પેટનું પાણી હાલતું નથી જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
સુરત પાલિકા પર્યાવરણની જાળવણી અને લોકોના મનોરંજન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગાર્ડન બનાવે છે. પરંતુ ગાર્ડન બન્યા બાદ તેની યોગ્ય માવજત થતી ન હોવાથી લોકોની સુવિધા માટે બનાવેલા ગાર્ડન લોકો માટે આફત બની રહ્યાં છે. સુરતના પાલનપોર વિસ્તારમાં આવેલા લેક ગાર્ડન લોકો માટે આફત બની રહ્યો છે. આ ગાર્ડનમાં અનેક મુલાકાતીઓ રોજ આવી રહ્યા છે. લોકો સ્વાસ્થ્ય સુધરે તે માટે મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે આવે છે. જોકે, આ ગાર્ડનની લાઈટો રાત્રીના સમયે પૂરતી ચાલુ ન થતી હોવાથી મોર્નિંગ વોક કરનાર અને મુલાકાતીઓ માટે જોખમી બની રહ્યો છે.
મુલાકાતીઓની ફરિયાદ એવી છે કે આ ગાર્ડનમાં રોજ અંધારપટ હોય છે મોટા ભાગની લાઈટો કાયમી ધોરણે બંધ હોય છે. સંખ્યાબંધ લોકો વોકીંગ માટે આવે છે પરંતુ રાત્રિના સમયે મોટા ભાગની લાઈટ બંધ હોવાથી વોકીંગ કરનારાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત મુખ્ય ટાવરની લાઈટો પણ અનેક વખત બંધ હોય છે. લાઈટો બંધ હોવાથી ગાર્ડન માં નશો કરનારાઓ પણ બેસીને નશો કરી રહ્યાં છે તેના કારણે મુલાકાતીઓને જોખમ રહેલું છે. આ ઉપરાંત વોકિંગ ટ્રેક પર પણ મોટા ભાગના લાઈટ બંધ હોવાથી વોકીંગ કરનારાઓને પણ પડી જવાનો ડર રહેલો છે.
આ અંગે પાલિકાને અનેક ફરિયાદ કરી છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી થતી ન હોવાથી ગાર્ડનના મુલાકાતીઓના માથે જોખમ રહેલું છે. જો પાલિકા આ ગાર્ડનની લાઈટ ચાલુ નહી કરાવે તો કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી શક્યતા નકારી શકાતી નથી.