સુરતમાં આજે DGVCL પરીક્ષામાં અન્યાય મુદ્દે આપ-કોંગ્રેસ કાપોદ્રા ખાતે વિરોધ પ્રદર્શન કરશે
Surat : વિસાવદરની પેટા ચુંટણીમાં એક બીજા સામે ગંભીર આક્ષેપ કરનારા આમ આદમી પાર્ટી અને કોગ્રેસ આજે સુરતમાં સાથે મળીને વિરોધ પ્રદર્શન કરશે. ચુંટણીમાં કોઈ ગઠ બંધન નહી પરંતુ વિરોધ કરવામા થયેલું ગઠબંધન સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આપ દ્વારા વિરોધ પ્રદર્શન માટે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં કોગ્રેસ-આપ બન્નેના નેતાના નામ છે જ્યારે કોંગ્રેસની યાદીમાં આપના ધારાસભ્યનું નામ લખાયું નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતના વિસાવદરની પેટા ચુંટણીમાં આપ અને કોંગ્રેસ બન્ને એક બીજાને ભાજપ સાથે મળેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમા આપે તો સ્ટીંગ ઓપરેશન કરીને કોંગ્રેસ-ભાજપ આપને હરાવવા એક થયા હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા આપ સામે બદનક્ષીની નોટિસ પણ આપવામાં આવી છે. આ રાજકીય લડાઈ વચ્ચે આજે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈને સુરતના કાપોદ્રા ખાતે આવેલી DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરશે.
કોંગ્રેસના આદિવાસી સમાજના નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામા આવશે. કોંગ્રેસની અખબારી યાદીમાં લેવામાં આવેલ પરીક્ષા આપ્યા બાદ પણ પરીક્ષા આપનાર ઉમેદવારોને નોકરી નહીં અપાતા અનંત પટેલની આગેવાનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં જણાવાયું છે કે, DGVCL પરિક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને વિધુત સહાયક તરીકે નિમણુંક આપવામા થયેલ ગેરરીતીના વિરોધમાં એમના ન્યાય માટે અને સ્માર્ટ મીટરના વિરોધમાં ધારાસભ્યો ચૈતર વસાવા અને અનંત પટેલ સુરત આવશે. આ ઉપરાંત બન્ને પક્ષની યાદીમાં વિરોધ પ્રદર્શન માટે 10.30 વાગ્યાનો સમય અને સ્થળ DGVCL કચેરી, ઉર્જા સદન, કાપોદ્રા રાખવામા આવ્યું છે.
આમ આજે કોંગ્રેસ અને આપ બન્ને મળીને સુરતના કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ પ્રદર્સન કરશે. થોડા દિવસ પહેલાં પેટા ચુંટણીમા એક બીજા સામે ગંભીર આક્ષેપ કરનારા બન્ને પક્ષ એક સાથે મળીને વિરોધ પ્રદર્શન કરશે તે સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.