સુરતમાં 27 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મોપેડ પરથી ઢળી પડ્યો
Surat News: ગુજરાતમાં સતત હાર્ટ અટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે સુરતથી વધુ એક કિસ્સામાં 27 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત થયું છે. અમદાવાદનો વતની અને સુરતમાં રહીને અભ્યાસ કરતો ઈલેશ ખડાયતા રાત્રે બેક પેઇન અને છાતીમાં દુઃખાવો થતો હોવાથી સવારે મિત્ર સાથે મોપેડ પર દવાખાન જઈ રહ્યો હતો, ત્યારે આ દરમિયાન રસ્તામાં જ ઢળી પડ્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઈલેશ ખડાયતા મૂળ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ બાપાસીતારામ ફ્લેટમાં રહેતો હતો. તે સુરતમાં રહીને એમ.એસ.સી.નો અભ્યાસ પૂર્ણ કરી કેમેસ્ટ્રી વિષયમાં પી.એચ.ડી.ની તૈયારી કરી રહ્યો હતો. ગત રાત્રે તેને પીઠ અને છાતીમાં દુખાવો થયો હતો. તેણે બાજુના રૂમમાં રહેતા તેના મિત્રને હોસ્પિટલ જવાનું કહ્યું હતું.
બંને મિત્રો મોપેડ પર હોસ્પિટલ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જ ઈલેશ મોપેડ પરથી નીચે પટકાયો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ, યુવકનું મોત હાર્ટ અટેકને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનાથી પરિવાર અને મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાયો છે.