Gujarat

સુરતમાં વસ્તી ગણતરી માટે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ : 2027 માટે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝર 18 લાખ મિલકતમાં જઈ ડીજીટલ વસ્તી ગણતરી કરશે

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
એક ગણતરીદારે ઓછામા ઓછા 150 અને વધુમાં વધુ 200 ઘરમાં જઈ વસ્તી ગણતરી કરવી પડશે : 2011ની વસ્તી ગણતરી વખતે સુરતની વસ્તી 46.45 લાખ હતી જે હવે 90 લાખ થવાનો અંદાજ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં વસ્તી ગણતરી માટે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ : 2027 માટે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝર 18 લાખ મિલકતમાં જઈ ડીજીટલ વસ્તી ગણતરી કરશે

Surat : મેટ્રો સીટી તરફ દોડી રહેલા સુરત શહેરમાં છેલ્લા બે દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે અને આ વત્વી વધારો હવે તંત્ર માટે પડકાર બની રહ્યો છે. સંભવિત 90 લાખની નજીક પહોંચી રહેલી વસ્તી વચ્ચે વર્ષ 2027 ની વસ્તી ગણતરી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે 18 લાખથી વધુ મિલકતોમાં દરવાજે દરવાજે જઈ સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી માહિતી ભેગી કરવામાં આવશે, જે સુરતના વધતા વિસ્તાર અને વસ્તીની બ્લુ પ્રિન્ટ માટે મદદરૂપ થશે. 2011માં સુરતની 46.45 લાખની વસ્તી હવે લગભગ બમણી થવાની દિશામાં છે ત્યારે આ ગણતરી શહેરના ભવિષ્યના આયોજન માટે નિર્ણાયક બની શકે છે. 

દેશભરમાં ડિજીટલ વસ્તી ગણતરીનો આરંભ થયો છે અને તેના ભાગરૂપે સુરત મહાનગર વિસ્તારમાં વસ્તી ગણતરી માટે આયોજન હાથ ધર્યું છે. સુરત પાલિકા દ્વારા વસ્તી ગણતરી 2027 માટે કર્મચારીઓની ટ્રેનિંગ આપવા સાથે નિયુક્તિની કામગીરી માટે કર્મચારીઓની માહિતી ભેગી કરી છે. સુરત શહેરમાં અંદાજે 18 લાખ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં જઈ વસ્તી ગણતરી હાથ ધરાશે. આ માટે આશરે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝરની કામગીરી સોંપવા માટે આયોજન થઈ રહ્યું છે. આગામી દિવોસમાં આ કર્મચારીઓના કામગીરી માટે ઓર્ડર નીકળશે. 

આ કામગીરી દરમિયાન દરેક ગણતરીદારે ઓછામાં ઓછા 150 અને વધુમાં વધુ 200 ઘરમાં જઈ માહિતી ભેગી કરવાની રહેશે. દરેક ઘરમાં પરિવારના સભ્યોની સંખ્યા, શિક્ષણ, રોજગાર, સ્થળાંતર અને રહેણાંક સંબંધિત માહિતી ડિજિટલ રીતે ભેગી કરવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા દાયકામાં વસ્તી વૃદ્ધિ ખૂબ જ ઝડપી રહી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરની વસ્તી 46.45 લાખ હતી, જ્યારે હાલ તે લગભગ બમણી થઈ 90 લાખ નજીક પહોંચવાનો અંદાજ છે. ડિજિટલ પદ્ધતિથી થનારી આ વસ્તી ગણતરી તંત્ર માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થશે. માહિતી સીધી સર્વરમાં અપલોડ થવાથી સમય બચશે. આ ઉપરાંત રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થવાથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, પાણી પુરવઠો, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ માટે વધુ અસરકારક આયોજન શક્ય બનશે. આ વસ્તી ગણતરીના આંકડાના કારણે ભવિષ્યમાં શહેરના વિસ્તરણ, નવા રહેણાંક પ્રોજેક્ટ અને જાહેર સુવિધાઓ માટે લાંબા ગાળાની યોજના તૈયાર કરવામાં આવશે.

કર્મચારીઓને મળશે 20 હજાર જેટલું વળતર

સુરત પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વસ્તી ગણતરી માટે કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં બે હજાર સુપરવાઈઝર અને 12 હજાર જેટલા ગણતરીદારો કામગીરીમાં જોડાશે. આ રાષ્ટ્રીય કામગીરી હોવાથી ફરજિયાત કામગીરી છે જોકે, આ વખતે ડીજીટલ વસ્તી ગણતરી થવાની હોવાથી કર્મચારીઓના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ આધુનિક યુગમાં હજી પણ કેટલાક લોકો સામાન્ય ફોનનો ઉપયોગ કરે છે જેથી તેમને આર્થિક ભારણ ન આવે તથા કામગીરીનું વળતર મળે તે માટે તંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને અંદાજે 20 હજારની આસપાસ મહેનતાણું આપવાનું નક્કી કર્યું છે.