ટેટ અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાથી દેશભરના લાખો શિક્ષકોના રોજગાર પર સંકટ

2010 પૂર્વે નિમણુંક પામેલા શિક્ષકોની સેવા અસુરક્ષિત બની : સુપ્રિમના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા સુરક્ષા માટે PMના હસ્તક્ષેપની માંગ સાથે શૈક્ષિક મહાસંઘ તા. 15ના આવેદન આપશે
જૂનાગઢ, : તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ટેટ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે જેનાથી દેશભરના લાખો શિક્ષકોના રોજગાર પર સંકટ મંડાયું છે. આ બાબતે વડાપ્રધાન હસ્તક્ષેપ કરે એવી માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તા. 15ના કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર આપશે.
આરટીઈ અધિનિયમ 2009 અને એનસીટીઈના 23 ઓગસ્ટ 2010ના જાહેરનામા મુજબ બે અલગ-અલગ શ્રેણી માન્ય હતી. 2010 પૂર્વે નિમણુંક પામેલા શિક્ષકોને ટેટમાંથી છુટ આપવામાં આવી હતી. 2010 બાદ નિમણુંક પામેલા શિક્ષકોને નિશ્ચિત સમયગાળામાં ટેટ પાસ કરવી ફરજીયાત હતી. ન્યાયાલયે આ ચુકાદાના ભેદને અવગણ્યો છે જેના કારણે 2010 પૂર્વે નિમણુંક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષીત બની ગઈ છે. વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકો પર ટેટની ફરજીયાત પરીક્ષા લાદવી તે અન્યાયપૂર્ણ નહી પરંતુ શિક્ષણની સાતત્યતા પણ ભંગ થશે. સરકારે આ બાબતે તાત્કાલીક હસ્તક્ષેપ કરી આ નિયમ માત્ર ભવિષ્યની નિમણુંક પર લાગુ કરવો જોઈએ. આ ચુકાદાથી દેશના 20 લાખ શિક્ષકો પ્રભાવિત થશે. સુપ્રિમના ચુકાદાથી તેમની સેવાઓ અસુરક્ષીત બની ગઈ છે. આ મામલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ ચુકાદાને માત્ર ભવિષ્યલક્ષી અમલમાં મુકવા અને 2010પૂર્વે નિમણુંક પામેલા શિક્ષકોની સેવા સુરક્ષા માટે નીતિગત અથવા કાનુની રાહે પગલા લેવા માંગ કરી છે. સુપ્રિમના ચુકાદા અંગે વડાપ્રધાન હસ્તક્ષેપ કરે એવી માંગ સાથે આગામી તા.15 સપ્ટેમ્બરના દેશના તમામ જીલ્લાઓ પર શૈક્ષિક મહાસંઘ દ્વારા જીલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવશે.








