યુક્રેનની જેલમાંથી છોડાવવા પ્રયત્નો હાથ ધરાયા
એક વર્ષ બાદ માતા સાથે યુવાને વીડિયો કોલમાં વાત કરતાં ભાવુક દ્રશ્યો સર્જાયાં
મોરબી: રશિયામાં અભ્યાસ માટે ગયેલા મોરબીના યુવાનને રશિયા દ્વારા યુધ્ધમાં ધકેલવાનો પ્રયાસ કરાતા તેણે યુક્રેનમાં સરેન્ડર કર્યું અને ત્યાં જેલમાં બંદી બની ગયો એ બનાવમાં તેને છોડાવવા તેના પરિવાર દ્વારા પ્રયત્નો ચાલુ છે. સુપ્રિમ કોર્ટના વકીલ તેને મળવા યુક્રેન પહોંચ્યા છે તથા યુવાનની તેની માતા સાથે વીડિયો કોલમાં વાત કરાવી હતી.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન અભ્યાસ માટે રશિયા ગયો હતો. અભ્યાસ દરમ્યાન ખર્ચ ઉપાડવા માટે તે ત્યાં કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો. પરંતુ એક કુરિયર પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ખુલાસો થતાં રશિયન પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પાર્સલ ક્યાંથી લાવ્યો હતો તેની તમામ માહિતી રશિયન પોલીસને આપ્યા છતાં તેને ડ્રગ્સ કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલ દરમ્યાન તેને યુક્રેન બોર્ડર પર લઇ જવામાં આવ્યો હતો. પરંતુ યુવાને યુધ્ધ લડવાના બદલે યુક્રેન બોર્ડર પર યુક્રેન સરકાર સમક્ષ સરેન્ડર કરતા હાલ તે યુક્રેનની જેલમાં છે. તેને પરત લાવવા તેમના માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરાઇ છે. આ પ્રયત્નોના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યા છે અને સાહિલને મળ્યા હતાં. તેમણે સાહિલને તેના માતા સાથે વીડિયો કોલમાં વાત કરાવી હતી. ૧૨ માસ પછી માતા-પુત્રએ વીડિયો કોલમાં વાત કરતા રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.
સુપ્રિમ કોર્ટના વકીલ દીપા જોસેફે જણાવ્યું હતું કે તેમણે સાહિલ અંગે જાણકારી મેળવી અને તેની સાથે વાત કરી. અન્ય ભારતીય કેદીઓ સાથે પણ મુલાકાત કરી અને જાણકારી મેળવી હતી. હાલ તેઓ યુક્રેનનાં ઇન્ડિયન એમ્બેસી તથા યુક્રેન સરકાર સાથે મુલાકાત માટે પ્રયાસ કરી રહ્યાં છે.


