કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ બિસ્માર રોડ પર કોમેન્ટ કરનારા યુવકને ફટકાર્યો
- રાજકીય ઈશારે પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો યુવકનો આક્ષેપ
- છિપડી- તોરણા રોડ પરિવારને અકસ્માત નડતા સોશિયલ મીડિયા પર ધારાસભ્ય અને તંત્ર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતી કોમેન્ટ કરી હતી
આ સમગ્ર મામલે ભોગ બનનારા નિકુંજ રાજેશભાઈ પટેલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ગત તા. ૨૬ જૂનના રોજ ખેડા જિલ્લાના છિપડી-તોરણા રોડ પર બિસ્માર માર્ગના કારણે તેમના પરિવારને અકસ્માત નડયો હતો, જેમાં તેઓ, તેમની પત્ની અને અઢી વર્ષનું માસૂમ બાળક એક્ટિવા પરથી પડી ગયા હતા.
આ ઘટના બાદ તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને માર્ગ અને મકાન વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતી કોમેન્ટ કરી હતી. કારણ કે, રોડની હાલત અત્યંત ખરાબ હતી અને કોઈ સુધારણા થતી નહોતી. આ કોમેન્ટના પગલે, ૨૮ જૂને રાજકીય આશ્રય ધરાવતા દીલીપસિંહ કાળુસિંહ ચૌહાણ, અમિતસિંહ ગોહીલ, ઈન્દ્રવર્દન પરમાર અને અજીતસિંહ સોઢા સહિત ૭-૮ લોકોના ટોળાએ તેમના અમુલ પાર્લરપર ધસી આવ્યું હતું અને આ ટોળાએ તેમને ધારાસભ્ય રાજેશ ઝાલા તેમને ઓફિસે બોલાવવાનું જણાવ્યુ હતુ. બાદમાં નિકુંજ પટેલને રસ્તામાં ટુ-વ્હીલર પરથી ઉતારી અને કારમાં બેસાડી કીડનેપ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, નિકુંજ પટેલ ત્યાંથી છટકીને કપડવંજ કોર્ટ પહોંચવામાં સફળ રહ્યા હતા. નિકુંજ પટેલના ઘરે પણ આ દિવસે ટોળું ફરી ધસી આવ્યું હતું અને તેમને તથા તેમના પરિવારને ખુલ્લેઆમ ધમકાવ્યા હતા. નિકુંજ પટેલે વધુમાં જણાવ્યું કે, તેમની પાસે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો અને ઓડિયો પુરાવા ઉપલબ્ધ છે. તેમને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું. આ અંગે યુવકે પોલીસ મથકે લેખિત અરજી આપવા છતાં પોલીસે રાજકીય દબાણમાં આજદીન સુધી આ અંગે કોઈ ફરિયાદ ન નોંધી હોવાના પણ આરોપ ઉઠયા છે. યુવકે તેમને કે તેમના પરિવારને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ અને આ રાજકીય આશ્રય આપનારા લોકોની રહેશે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થાય તથા ન્યાયી કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે.