Gujarat

૨૪ કલાક પાણી આપવાની કામગીરી માટે નવા સેક્ટરોમાં ગુરૃવારે પુરવઠો બંધ રહેશે

By GS TEAM
2 Sep 20252 mins read
૨૪ કલાક પાણી આપવાની કામગીરી માટે નવા સેક્ટરોમાં ગુરૃવારે પુરવઠો બંધ રહેશે

જુના સેક્ટરોમાં ૨૪ કલાક પાણીનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે

સરિતા હેડવર્ક્સમાં સંપના આંતરિક જોડાણની કામગીરી હાથ ધરાશે ઃ શુક્રવારે બપોર બાદ પાણી વિતરણ થશે

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગરમાં સ્માર્ટસિટી અંતર્ગત  ૨૪ કલાક પાણી મળી રહે તે માટેની કામગીરીના ભાગરૃપે જુના સેક્ટરોમાં ટેસ્ટીંગની કામગીરી કરીને ટ્રાયલ કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં નવા સેક્ટર-૧થી સે-૧૩માં પણ આ ટેસ્ટીંગ કરવામાં આવનાર છે જે માટે ચરેડી હેડવર્ક્સ ખાતે સંપના આંતરિક જોડાણની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી કરવા માટે આગામી તા.૪થી સપ્ટેમ્બરના રોજ નવા સેક્ટરોમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

ગાંધીનગર સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ દ્વારા શહેરની જનતાને ૨૪ કલાક પાણી પુરવઠો પૂરો પાડવાની દિશામાં ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં ચરેડી હેડવર્ક્સ ખાતેથી સેક્ટર-૧૪ થી સે-૨૯માં પાણી પુરવઠાની ટેસ્ટિંગ કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે, જેમાં કોઈ મોટી પાઈપલાઈન લીકેજની સમસ્યા જોવા મળી નથી. ત્યારે હવે નવા સેક્ટરોમાં ૨૪ કલાક પાણી મળે તે માટેની ગતીવિધીઓ તેજ કરવામાં આવી છે.

સેક્ટર-૧ થી સે-૧૩ અને સેક્ટર-૩૦માં ૨૪ કલાક પાણી પુરવઠો શરૃ કરવા માટે સરીતા હેડવર્ક્સ ખાતે સંપના આંતરિક જોડાણની મહત્વની કામગીરી હાથ ધરાશે. આ કામગીરીને કારણે તા.૪ સપ્ટેમ્બરને ગુરુવારે સવારથી સેક્ટર-૧ થી સે-૧૩માં પાણી પુરવઠો બંધ રહેશે. આ શટડાઉન એક દિવસ માટે હશે અને તા.૫ સપ્ટેમ્બરની રાત્રે પાણી પુરવઠો પુનઃસ્થાપિત થશે. આ જોડાણ પૂર્ણ થયા બાદ નવા સેક્ટરોમાં પણ જૂના સેક્ટરોની જેમ પૂરતા દબાણ સાથે પાણી પહોંચાડી શકાશે.નવા કાર્યપાલક ઈજનેરના આવ્યા બાદ ૨૪ કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટની ટેસ્ટિંગ કામગીરીએ નોંધપાત્ર વેગ પકડયો છે. તેમની દેખરેખ હેઠળ પ્રોજેક્ટની પ્રગતિમાં ઝડપ આવી છે. આ પ્રોજેક્ટ સફળ થતાં ગાંધીનગરના નાગરિકોને નિયમિત અને વધુ સારી પાણી પુરવઠો મળશે.