Get The App

સુરતમાં પાલિકા અને પોલીસ ઊંઘતી રહી અને સ્વામી વિવેકાનંદ બ્રિજ પર રવિવારી બજાર ભરાઈ ગયું

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં પાલિકા અને પોલીસ ઊંઘતી રહી અને સ્વામી વિવેકાનંદ બ્રિજ પર રવિવારી બજાર ભરાઈ ગયું 1 - image


Surat Sunday Market : સુરત પાલિકા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. જેના કારણે તાપી નદી પર બનેલા સ્વામી વિવેકાનંદ બ્રિજ (લો લેવલ બ્રિજ) પરથી રવિવારી બજાર ભરાઈ ગયું હતું. આ બ્રિજ પર બન્ને તરફ પાલિકા-પોલીસના સીસીટીવી કેમેરા હોવા છતાં બજાર ભરાયું છતાં આ તીસરી આંખ પર પાટા બંધાઈ ગયાં હતો. બ્રિજ પર બન્ને તરફ સીસીટીવી કેમેરા પણ આ કેમેરા માત્ર દંડ વસૂલવા માટે ઉપયોગ કરવામા આવે છે પરંતુ માથાભારે દબાણ કરનારાઓ કબ્જો કરી દીધો પરંતુ પાલિકા કે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. 

સુરત શહેરમાં 3200થી વધુ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ તેનો ઉપયોગ સીટ બેલ્ટ, હેલ્મેટ કે કચરો ફેંકનારાઓ પાસે દંડ કરવા માટે જ થાય છે તેવા આક્ષેપ આજે વધુ એક વખત સાબિત થઈ ગયા છે. આ કેમેરાનો ડર વાહન ચાલકો કે ગંદકી કરનારાઓને છે પરંતુ માથા ભારે દબાણ કરનારાઓને કોઈ પ્રકારનો પાલિકા કે પોલીસનો ડર નથી. તાપી નદી પર બનેલા લો લેવલ બ્રિજ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ આ કેમેરાની નીચે જ માથાભારે દબાણ કરનારા બ્રિજની બન્ને તરફ રવિવારી બજારની દુકાન લગાવી દીધી હતી. આ બ્રિજ પરથી પસાર થતા લોકોએ બ્રિજ પર ભરાયેલું રવિવારી બજાર જોઈને ભારે આશ્ચર્ય થવા સાથે ચર્ચાનો વિષય બની ગયો હતો. 

આ બ્રિજ પર પાલિકા અને પોલીસ દ્વારા મુકાયેલા કેમેરાની સામે જ માથાભારે તત્વો સમુહમાં દબાણ કરતા હોવા છતાં પાલિકા કે પોલીસે કોઈ કામગીરી કરી નથી. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે હવે માથાભારે દબાણ કરનારા જાહેર મિલ્કતોને બાપીકી મિલકત સમજીને દબાણ કરી રહ્યાં છે. જો પાલિકા કે પોલીસે બ્રિજ પર મુકાયેલા સીસીટીવી કેમેરાનું પ્રમાણિકતાથી મોનીટરીંગ કર્યું હોત તો જાહેર બ્રિજ પર આવા પ્રકારના દબાણ કરવું શક્ય ન હતું. 

બ્રિજની બન્ને ફુટપાથ પર તો માથાભારે તત્વોના દબાણ હતા જ તેની સાથે જાહેર રોડ પર પણ લારીઓ અને ટેમ્પોના દબાણ થઈ ગયા હતા. એકલ દોકલ વાહન ચાલક જો બ્રિજ પરથી પસાર થાય અને હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના નિકળે તો પોલીસના કેમેરા તેમને શોધીને દંડ ફટકારે છે પરંતુ આવા દબાણ સામે પોલીસ પણ ઘૂંટણીએ પડી ગઈ છે 

બ્રિજ પર રવિવારી બજાર ભરાતા વાહનો રોંગ સાઈડમાં દોડ્યા

સુરતના સ્વામી વિવેકાનંદ બ્રિજ પર માથાભારે તત્વોએ કબ્જો જમાવી અડધા બ્રિજ પર બન્ને તરફ રવિવારી બજાર શરૂ કરી દીધું હતું. જેના કારણે અહીં ખરીદી કરવા આવતા વાહનો રોંગ સાઈડમાં દોડ્યા હતા. જેના કારણે  ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચલાવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહ્યો હતો. આ ઉપરાંત અનેક દબાણ કરનારાઓ બ્રિજના રોડ પર જ વેચાણ માટે બેસી ગયાં હતા અને ખરીદી કરનારા વાહનો આડેધડ ઉભા રાખી ખરીદી કરતા હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી. 

ટ્રાફિકના નિયમોને અનુસરી વાહન ચલાવતા ચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આવી રીતે બ્રિજ પર બજાર ભરાઈ છે અને વાહનો બેફામ રીતે રોંગ સાઈડ દોડે છે તેવામાં નિયમોનું પાલન કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે.

Tags :