Get The App

લાકડાના ફટકા મારી વ્યક્તિની હત્યા કરનારા સુણાવ ગામના યુવકને જન્મટીપની સજા

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
લાકડાના ફટકા મારી વ્યક્તિની હત્યા કરનારા  સુણાવ ગામના યુવકને જન્મટીપની સજા 1 - image

ભાભી સાથેના આડા સંબંધોને લઇ ઠપકો આપવાની અદાવતમાં

14 સાક્ષીઓ અને ૨૬થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા  પેટલાદ સેશન્સ કોર્ટે આરોપીને 10 હજાર દંડ પણ ફટકાર્યો   

અમદાવાદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ભાભી સાથે આડા સબંધોની આશંકામાં ઠપકો આપનાર વ્યકિતની લાકડાના ડંડા મારી કરપીણ હત્યા કરવાના કેસમાં પેટલાદ સેશન્સ કોર્ટે આરોપી રાજેશ ઉર્ફે લાલો ઉદેસિંહ પઢિયારને જન્મટીપની આકરી સજા અને રૂ. ૧૦ હજાર દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.

કોર્ટે પોતાના ચુકાદામા નોંધ્યું હતું કે, આરોપી દ્વારા મરણ જનાર મહેશ સોમાભાઇ પરમારને માથાના ભાગે બળપૂર્વક લાકડુ માર્યું હતું, તેના કારણે તેમને હેમરેજ થયેલ અને તરત જ મૃત્યુ પામ્યા હતા. વધુમાં, અત્રે એ હકીકત પણ નોંધવી જરૂરી છે કે, લાકડાના ડંડા(ઝુડીયુ) સામાન્ય સ્વરૂપે કોઇપણ વ્યકિતને શરીરના કયા કયા ભાગમાં મારવામાં આવે તો કેવા સ્વરૂપની ઇજા થાય તે બાબતનું જ્ઞાાન સ્વાભાવિક રીતે જ આરોપીને હોય અને તેવી જાણકારી છતાં અને આ પ્રકારના હુમલાથી મરનારનું મૃત્યુ થવાની પૂરી શકયતા હોવા છતાં તેણે ઇરાદાપૂર્વક આ ગુનાહિત કૃત્ય આચર્યું છે અને તેથી ઇપીકો કલમ-૩૦૨ હેઠળ મર્ડરનો ગુનો નિશંકપણે પુરવાર થાય છે. 

પેટલાદ તાલુકાના એક ગામના કાંસના ગરનાળા નજીક રહેતા ફરિયાદી શૈલેષભાઇ સોમાભાઇ પરમારના ભાભી સાથે આરોપી રાજેશ ઉદેસિંહ પઢિયાર (ઉં.વ. ૩૫ રહે. સુણાવ, આંબાવી ઓર, મહીજીપુરા, તા. પેટલાદ)ના આડા સંબંધોની બાબતને લઇ મરનાર મહેશભાઇ સોમાભાઇ પરમારે અગાઉ ઠપકો આપ્યો હતો અને આ વાતને લઇ બંને વચ્ચે બોલાચાલી-ઝઘડો પણ થયો હતો. છતાં, આરોપી રાજેશ પઢિયાર ફરિયાદી શૈલેષભાઇના ઘરની સામે આવેલ ગરનાળા પર અવારનવાર મોડી રાત સુધી બેસતો હોવાથી મરનાર મહેશભાઇ પરમારે ફરી એકવાર આરોપી રાજેશ પઢિયારને આ મુદ્દે ઠપકો આપ્યો હતો. જે વાતથી લાગી આવતાં આરોપી રાજેશ પઢિયારે આ ઠપકાની અદાવત રાખી ગત તા.૨૬-૪-૨૦૨૪ના રોજ રાત્રે ૧૨-૩૦ વાગ્યાના સુમારે મરનાર મહેશભાઇ ગાયોને ભગાડવા જતા હતા. દરમ્યાન આરોપી  રાજેશ પઢિયારે અચાનક જ તેમના માથામાં અને શરીરના જુદા જુદા ભાગોએ લાકડાના ડંડા(ઝુડીયું) વડે ગંભીર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે મહેશભાઇ પરમાર લોહીલુહાણ હાલતમાં બૂમો પાડવા લાગ્યા હતા અને એટલામાં ફરિયાદી ત્યાં આવી જતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે પેટલાદ રૂરલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ૧૪થી વધુ સાક્ષીઓ અને ૨૬થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીને સખતમાં સખત સજા ફટકારવા અદાલતને વિનંતી કરાઇ હતી. 

ટ્રાયલના અંતે કોર્ટે ફરિયાદી સહિતના સાક્ષીઓની જુબાની, એફએસએલ રિપોર્ટ, ડોકટરનો પુરાવો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સહિતના સંબંધિત પુરાવાઓને ધ્યાનમાં લઇ આરોપી રાજેશ ઉર્ફે લાલો ઉદેસિંહ પઢિયારને મર્ડરના કેસમાં તકસીરવાન ઠરાવી તેને આજીવન કેદની સજા ફટકારતો ૩૫ પાનાનો ચુકાદો જાહેર કર્યો હતો.