સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયાખેંચથી નાલેશી
Sumul Dairy: સુરત-તાપી જિલ્લાના પશુપાલકો ભેગા મળીને બનાવેલી સુમુલના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકીય અખાડાને કારણે રાજય સરકારે આખરે એચ.આર.પટેલને કસ્ટોડિયન તરીકે મૂકવાની નોબત આવી છે. તમામ 19 ડિરેક્ટરો ઘર ભેગા થતા સુમુલનો 7 હજાર કરોડનો વહીવટ હવે કસ્ટોડિયનના હાથમાં આવ્યો છે.
હવે રૂ. 7000 કરોડનો વહીવટ કસ્ટોડિયન કરશે
સન 1951માં ધી સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની (સુમુલ) સ્થાપના થયા બાદ છેલ્લા 75 વર્ષમાં એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે આ વર્ષ સમયસર ચૂંટણી થઇ શકી નથી. આ કારણે ગુજરાત રાજય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર મિતેશ પંડયાએ સહકારી મંડળીઓ અધિનિયમ 1961ની કલમ 74 (d) થી મળેલી સત્તાની રૂએ સુમુલના તમામ વ્યવસ્થાપક સમિતિના સ્થાને કસ્ટોડિયન તરીકે સંયુકત રજિસ્ટ્રાર નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અંથતંત્રના એચ.આર. પટેલની સુમુલના કસ્ટોડિયન તરીકે નિમણૂક કરી છે. આજે તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો.
સુરત-તાપી જિલ્લાના પશુપાલકોએ બનાવેલી સંસ્થા રાજકીય અખાડો
ઉલ્લેખનીય છે કે, સુમુલ ડેરીમાં પાંચ વર્ષ અગાઉ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના બે જૂથ વચ્ચે સમાધાન કરી ચૂંટણી લડતાં પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકના જૂથના સરખા સભ્ય ચૂંટાયા હતા. ભાજપ મોવડી મંડળે મેન્ડેટ આપીને પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપ પ્રમુખપદે રાજુ પાઠકની વરણી કરી હતી. છતાં પાંચ વર્ષથી બંને જૂથ વચ્ચે રાજકીય લડાઈ અને વહીવટી ખેંચતાણ સાથે મુદત પૂરી થઈ છે. નિયામક મંડળની મુદત પૂરી થતાં વહીવટી કસ્ટોડિયન કમિટીની નિમણૂક અંગે સરકારમાં બંને જૂથ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. હવે કસ્ટોડિયનની નિમણૂક કરાતા 16 ડિરેક્ટર અને 3 નોમિનેટ ડિરેક્ટર મળીને કુલ 19 ડિરેક્ટરને ઘરભેગા કરી દેવાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
ભાજપને હારનો ડર હોવાથી ચૂંટણી લંબાવવામાં આવી રહી છે
સુમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને ભાજપના બે જૂથ વચ્ચેની લડાઈ નિશ્ચિત છે. પાર્ટી મેન્ડેટ આપે તો પણ એક જૂથ પાર્ટી સામે બગાવત કરવાની તૈયારી સાથે બેઠું છે. આ ઉપરાંત કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણી લડશે તેવું વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ મીટિંગ કરી જાહેર કર્યું હતું. જેને પગલે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સત્તા ગુમાવે તેવા ડરથી ભાજપ મોવડી મંડળે ચૂંટણી ટાળવા પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.