ઉનાળો અદ્રશ્ય, હવામાન ટાઢુબોળઃ સુરેન્દ્રનગરમાં ઝાપટુ
અગાઉ સીબી ક્લાઉડ વરસતા, હવે સળંગ કમોસમી વરસાદ
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ૪૦ કિ.મી.ઝડપે પવન સાથે વરસાદનું એલર્ટ, હીટવેવની અઠવાડિયુ શક્યતા નહીં
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારમાં સતત ચોથા દિવસે બપોર બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ નોંધાયો હતો.એકાએક વાતાવરણમાં આવેલા પલ્ટા સાથે વરસતા કમોસમી વરસાદથી ખેતરો પણ પાણી-પાણી થતાં ખેતીપાકને નુકસાનનો ભય ઉભો થયો છે. આજે દિવસના આંશિક તડકો નીકળ્યા બાદ રાત્રિના ફરી ધોધમાર ઝાપટું વરસી ગયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી ૯ તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. સતત ચોથા દિવસે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પવન સાથે ધોધમાર કમૌસમી વરસાદ ખાબક્યો હતો જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મે માસમાં સામાન્યથી અધિક તાપમાનના પૂર્વાનુમાનથી વિપરીત બદલાયેલા ક્લાઈમેટથી આશ્ચર્યજનક રીતે સૌથી વધુ ગરમીનો મહિના મે માસમાં ઉનાળા પર ઠંડુ પાણી ફરી વળ્યું છે અને હવામાન ટાઢુબોળ થઈ ગયું છે.
મૌસમ વિભાગ અનુસાર સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર સહિત તમામ જિલ્લા તેમજ દિવ પંથકમાં આગામી ત્રણ દિવસ સુધી કલાકના ૪૦થી ૫૦ કિ.મી.સુધીની ઝડપે તીવ્ર પવન અને ગાજવીજ સાથે માવઠાંની ચેતવણી જારી કરાઈ છે. જ્યારે આ સાથે જ આાગમી બે સપ્તાહ સુધી હીટવેવની હાલ કોઈ શક્યતા નથી.