સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે
Surat Suman School : સુરત પાલિકાની જવાબદારી પ્રાથમિક શિક્ષણની છે પરંતુ પાલિકા સુમન સ્કૂલ શરૂ કરી રહી છે તેના કારણે પાલિકાને આર્થિક ભારણ થઈ રહ્યું છે. પરંતુ પાલિકા સુમન સ્કૂલ બનાવે છે તે ગરીબ વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન બની રહી છે. સુરત પાલિકા આગામી દિવસોમાં સુરતના કતારગામ ઝોનમાં વેડ કતારગામ ખાતે 6.26 કરોડના ખર્ચે સુમન સ્કૂલ શરૂ કરવા માટે જઈ રહી છે. આ શાળામાં પાલિકા રમત-ગમતના મેદાન સહિતની સુવિધા ઉભી કરાશે આ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.
સુરત પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ માટે સુમન શાળા શરુ કરી છે. પાલિકાની સુમન શાળામાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળામાં બોર્ડનું પરિણામ પણ સારું આવી રહ્યું છે. સુરત પાલિકા ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ઉર્દૂ સહિત ઉડિયા મળીને કુલ છ ભાષામાં શિક્ષણ આપે છે.
જેના કારણે સુમન સ્કૂલ શરૂ કરવા માટે તમામ ઝોનમાંથી માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં કતારગામ ઝોનમાં સુમન સ્કૂલ શરૂ કરવા માટે માગણી કરવામાં આવી હતી અને બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી હતી. હવે કતારગામ ઝોનમાં ટી.પી. 50 (વેડ-કતારગામ)માં રમત-ગમતના મેદાન સહિત સુમન શાળા બનાવવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં પાંચ ઈજારદાર આવ્યા હતા જેમાં એક ઈજારદાર દ્વારા લોએસ્ટ ટેન્ડર એટલે કે 6.26 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી માટેની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે જેના પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.