Gujarat

ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે

By GS TEAM
30 May 20262 mins read
ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે

તરસ છિ૫ાવવા લેવાતા પીણાની પસંદગી વ્યક્તિના વજન અને મેદસ્વિતાનું ભવિષ્ય નક્કી કરે : ઉનાળાની ઋતુ દરમિયાન કુદરતી પીણામાં ચપટી સંચળ કે શેકેલું જીરૂ ઉમેરીને પીવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે

ભાવનગર,/ રાજકોટ : ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરમાં પ્રવાહીની માંગ વધવાથી તરસ છિપાવવા માટે લેવાતા પીણાની પસંદગી જ વ્યક્તિના વજન અને મેદસ્વિતાનું ભવિષ્ય નક્કી કરે છે. નિષ્ણાંતોના મતે ઉનાળો એ વજન ઘટાડવા માટે સર્વશ્રેષ્ઠ ઋતુ છે. પરંતુ બજારમાં મળતા ખાંડયુક્ત આર્ટિફિશયલ પીણા વજન ઘટાડવાના બદલે વધારવાનું કામ કરે છે. કોલ્ડડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, આઈસક્રીમ, બરફના ગોળામાં ભારે માત્રામાં હાઈફ્રુક્ટોઝ કોર્ન સિરપદ (એક પ્રકારની ખાંડ) અને સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ પીણા પીવાથી ભેટ ભરાયાનો અહેસાસ થતો નથી. જેથી અજાણતા જ લોકો સેંકડો લિક્વિડ કેલરી શરીરમાં પધરાવી દે છે. આ ખાંડ લોહીમાં ઈન્સ્યુલિનનું સ્તર અચાનક વધારે છે. જે લિવરની આસપાસ અને પેટ પર ચબી જમા કરવાનું કામ કરતી હોવાથી મેદસ્વિતા ઝડપથી વધે છે.

મેદસ્વિતાથી બચવા અને વજન નિયંત્રિત કરવા આયુર્વેદિક અને કુદરતી પીણા રેષ્ઠ વિકલ્ય છે. જેમાં મોળી છાસ કેલરીમાં અત્યંત ઓછી અને પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર હોઈ, આંતરડાના સ્વાસ્થ્યને સુધારી ચરબીનો સંગ્રહ અટકાવે છે. વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર લીંબુ પાણી શરીરના ઝેરી તત્ત્વો (ટોક્સીન્સ) બહાર કાઢી ફેટ બર્નિંગ પ્રોસેસને વેગ આપે છે. પોટેશિયમ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર નાળિયેર પાણી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. અને ઓવર ઈટિંગથી બચાવે છે. ફુદીનાનું શરબત, જીરા પાણી પાચન ઉત્સેચકોને સક્રિય કરી મેટાબોલિક રેટ વધારે છે. જેથી શરીરમાં ઝડપથી કેલરી બર્ન થાય છે. વધુમાં ઉનાળામાં ચપટી સંચળ (કાળું મીઠું) અથવા શેકેલું જીરૂ ઉમેરીને પીવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ મેદસ્વિતાથી સરળતાથી મુક્તિ મેળવી શકાય છે. નિષ્ણાંત ડાયટેશિયનની મદદથી શરીરને માફક આવતા પીણા પીવા અંગે અભિપ્રાય લેવા હિતાવહ હોવાનું સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ઉમેર્યું છે.