નડિયાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો : ગરનાળા ભરાયા

- ખેડા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે મેઘમહેર
- મિશન અને સરદાર પટેલ બ્રિજ પર ટ્રાફિકજામ વીજળી ડૂલ થતા સંખ્યાબંધ વિસ્તારોમાં અંધારપટ
નડિયાદ શહેરમાં ભારે વરસાદને પગલે નિચાણવાળા સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના દેસાઈ વગો, સરદાર સ્ટેચ્યુ પાસે, મરીડા ભાગોળ, સલુણ દરવાજા બહાર, બજાર વિસ્તારો, મહાગુજરાત સર્કલ, વાણિયાવાડ વિસ્તાર, અને કિડની સર્કલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઉપરાંત, શહેરમાં આવેલા ગરનાળાઓમાં પણ પાણી ભરાઈ જતા પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચાયેલું શહેર લગભગ સંપર્ક વિહોણું બન્યું છે. નડિયાદના પૂર્વ-પશ્ચિમને જોડતા મિશન બ્રિજ અને સરદાર પટેલ બ્રિજ પર પણ વાહનોની લાંબી કતારોના લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલે શાળા-કોલેજોમાં રજા રહે તેવી સંભાવના છે.
ઉપરાંત, આકસ્મિક ભારે વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાનના ભયથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
તંત્ર એલર્ટ અને મહી-વાત્રક કાંઠાના ગામો એલર્ટ પર
ઉપરવાસમાં કડાણા અને વણાકબોરી ડેમમાં પાણીની આવક વધતા, મહી કાંઠા અને વાત્રક કાંઠાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે તમામ પ્રશાસનિક અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તારોના તલાટી સુધીના કર્મચારીઓને પોતાનું કાર્યસ્થળ ન છોડવા અને સાવધ રહેવા આદેશ આપ્યા છે, જેથી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી શકાય. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.
ગણેશ વિસર્જન પહેલા ચેતવણી
આગામી શનિવારે ગણેશ વિસર્જન છે. તે પહેલા કેનાલો, તળાવો અને અન્ય જળાશયોમાં પાણીની આવક વધતાં, તંત્ર દ્વારા ગણેશ ભક્તોને વિસર્જન દરમિયાન અત્યંત સાવચેત રહેવા અને પાણીમાં ઉંડે સુધી ન જવાની સૂચના આપવામાં આવી છે.








