Get The App

વડોદરા-વિરાર સેકશનમાં કવચ ૪.૦નું સફળ કમિશનિંગ

૩૪૪ કિ.મી. સેકશનમાં ૪૯ સ્ટેશન કવચથી આવરી લેવાયા, કવચથી સજ્જ પ્રથમ ટ્રેન દાદર- ભુજ સયાજી નગરી એક્સપ્રેસ મુંબઈથી વડોદરા પહોંચી

મુંબઈ-અમદાવાદ રેલમાર્ગ વધુ સુરક્ષિત બન્યો

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા-વિરાર સેકશનમાં કવચ ૪.૦નું સફળ કમિશનિંગ 1 - image

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે સંચાલનમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ૩૪૪ કિ.મી.ના વડોદરા -વિરાર સેકશનમાં સ્વદેશી સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી કવચ ૪.૦નું સફળ કમિશનિંગ (સ્થાપિત) કરાયું છે.

વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ મેનેજર રાજુ ભડકે મુંબઈથી કવચ સિસ્ટમ સાથે ચાલેલી પ્રથમ ટ્રેન દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસના વડોદરા આગમન સમયે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના નાગદા-વડોદરા - સૂરત-વિરાર-મુંબઈ સેન્ટ્રલ સેકશનમાં કવચ પ્રોજેક્ટને રૂ. ૩૯૭ કરોડની મંજૂરી મળી છે. વિરાર - વડોદરા સેકશનમાં કવચ પ્રણાલી અંતર્ગત કુલ ૪૯ સ્ટેશનો આવરી લેવાયા છે, ૫૭ટાવર સ્થાપિત કરવા સાથે ૬૮૮ કિલો મીટર ઓપ્ટિકલ ફાઈબર કેબલ પાથરવામાં આવી છે.

હાલમાં કવચ ડબલ્યુ.એ.પી.- ૭ લોકોમોટિવમાં સક્રિય છે અને ટૂંક સમયમાં અન્ય લોકોમોટિવમાં પણ લાગુ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં અત્યાર સુધી ૩૯૪ લોકોમોટિવમાં કવચફિટ કરવામાં આવી ચૂક્યું છે.

કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એ.ટી.પી.) સિસ્ટમ છે, જે સિગ્નલ પાસે એટ ડેન્જર (એસ.પી. એ. ડી.) અટકાવવા સાથે ઓટોમેટિક સ્પીડ કંટ્રોલ તેમજ સામસામે અને પાછળથી થતી અથડામણોથી સુરક્ષા પૂરી પાડેછે.

અગાઉ વડોદરા-અમદાવાદ સેકશનમાં કવચ સિસ્ટમ કાર્યરત કરાઈ હતી અને હવે સૂરત-વડોદરા તથા વડોદરા -વિરાર સેકશનમાં કવચ લાગુ થતાં મુંબઈ (વિરાર)થી અમદાવાદ સુધીનો રેલમાર્ગ કવચથી વધુ સુરક્ષિત બન્યો છે.

વડોદરા - નાગદા સેકશનમાં કામ માર્ચ ૨૦૨૯ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. પશ્ચિમ રેલવે સમગ્ર બ્રોડ ગેજ રૂટ પર કવચ કાર્ય પૂર્ણ કરવા પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે.