Gujarat

દાણચોરી કેસમાં સુબુર આલમની આગોતરા અને વેપારીની રેગ્યુલર જામીન અરજી રદ

By GS TEAM
5 Sep 20252 mins read
દાણચોરી કેસમાં સુબુર આલમની આગોતરા અને વેપારીની રેગ્યુલર જામીન અરજી રદ

વડોદરા : દુબઇથી રૃા.૧.૮૦ કરોડનું સોનું પાવડર સ્વરુપમાં લાવવાના કેસમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર અમદાવાદના એક શખ્સે પોલીસ ધરપકડથી બચાવ માટે આગોતરા જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી. જ્યારે આ કેસમાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા સોની વેપારીએ રેગ્યુલર જામીન અરજી મુકતા ન્યાયાધીશે વેપારીની જામીન અરજી પણ રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, મંજુસર પોલીસને બાતમી મળી હતી કે, કલાલી બીલ રોડ પર રહેતો અશોક રમણભાઇ પ્રજાપતિ નામનો શખ્સ અલગ અલગ લોકોને દુબઇ મોકલે છે અને કસ્ટમ અને એક્સાઇઝ ડયુટી ન ભરવી પડે તે માટે લગેજ અને બેગમાં સોનું છુપાવી ભારતમાં ઘુસાડે છે. પોલીસને એવી પણ બાતમી મળી હતી કે, અશોકે દુબઇ મોકલેલા બે શખ્સ સાવલી તરફ આવવાના છે એટલે પોલીસે બાતમીના આધારે વિપુલ દશરથભાઇ પટેલ અને હરિશચંન્દ્ર અરવિંદ સોલંકીને ઝડપી પાડયા હતા.

પોલીસે તેમનું લગેજ ચેક કરતા બેગમાંથી છ મોજા મળી આવ્યા હતા અને તેમાં છુપાવવામાં આવેલ રૃા.૧.૮૧ કરોડનું પાવડર સ્વરુપમાં સોનું તેમજ ૨૨૮૯ દીરહામ મળી આવ્યા હતા. તપાસમાં સોનાની ખરીદી કનૈયાલાલ હીરાલાલ સોની કરવાના હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે તપાસમાં દુબઇ ખાતેથી સોનું લાવનારા શખ્સોમાં સુબુર આલમ રાજપુત પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની શોધળોખ હાથ ધરી હતી.દરમિયાનમાં હાલ જેલમાં રહેલા સોની વેપારી કનૈયાલાલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની જામીન અરજી રદ કરી હતી.

જ્યારે સુબુર આલમ ગૌરઆલમ રાજપુતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, અરજદાર અન્ય આરોપીઓના સતત સંપર્કમાં હોવાનું સીડીઆર પરથી સ્પષ્ટ થાય છે. વિપુલ અને અરજદાર વચ્ચે ૨૧૮ વાર કોલિંગ થયું છેે. હાલ આ બનાવમાં કસ્ટમ એન્ડ એક્સાઇઝ, ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તપાસ ચાલી રહી છે ત્યારે જામીન અરજી રદ કરવી જોઇએ. ન્યાયાધીશે આરોપી સુબુર આલમની આગોતરા જમીન અરજી રદ કરી હતી.