મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત

કોબાની ટ્રી ટ્રોપ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર
ભાઈની ફરિયાદના આધારે પોલીસે કોન્ટ્રાક્ટર સામે એટ્રોસિટી અને આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કોબાના કે રાહેજા રોડ ઉપર આવેલી ટ્રી ટ્રોપ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા બાકી નીકળતા દસ લાખ રૃપિયા નહીં આપવામાં આવતા આ પગલું ભરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દાહોદના
રાહુલ નરસુભાઈ પસાયાએ ફરિયાદ નોંધાવી હતી કે,
તેના મોટાભાઈ અર્જુનભાઈ પસાયા દ્વારા કોબાના કે રાજા રોડ ઉપર આવેલી ટ્રિ ટોપ
સાઇટ ઉપર મજૂરી કરતા હતા અને અહીં તેમણે આરસીસીનું કામ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ
રાજપુત પાસેથી રાખ્યું હતું અને જે માટે ૧૫ જેટલા માણસો પણ રાખવામાં આવ્યા હતા. આ
સાઈટ ઉપર એ અને બી બ્લોકના બેઝમેન્ટથી માંડીને પહેલા માળ સુધીનો કોન્ક્રીટનું કામ
કરવામાં આવ્યું હતું અને આ કામ પેટે કૌશિકસિંહ રાજપુત પાસેથી દસ લાખ રૃપિયા જેટલી
રકમ લેવાની નીકળતી હતી. જે રૃપિયા માગવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા ન
હતા. જેથી ૧૫ દિવસ અગાઉ રાહુલે તેના પિતા નરસુભાઈને સાઈટ ઉપર બોલાવ્યા હતા અને તેઓ
કૌશિકસિંહને મળ્યા હતા. જેમણે રજૂઆત કરી હતી કે દિવાળીના તહેવારો હોવાથી રૃપિયા
નહીં મળે તો જાતે આપઘાત કરી લેવાની નોબત આવશે તેમ છતાં કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ
દ્વારા રૃપિયા ચૂકવવામાં આવ્યા ન હતા અને જાતિ વિશે શબ્દો બોલીને બે પુત્રો સામે જ
પિતાને લાફો મારી દીધો હતો. જે ઘટનાને પગલે અર્જુનને લાગી આવ્યું હતું અને બહુ
રડયો હતો ત્યારબાદ પણ સાઇટ ઉપર કામ ચાલુ રાખ્યું હતું. જોકે દસ લાખ રૃપિયા નહીં
મળતા મજૂરોને રૃપિયા કેવી રીતના આપીશ તેવી ચિંતામાં અર્જુને રૃમની ઓરડીમાં ફાંસો
ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના પગલે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર
સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.









