- કામગીરી સંપૂર્ણ પૂર્ણ છતાં તંત્રની ઉદાસીનતા
- આરોગ્ય કર્મચારીઓ ખાનગી ટ્રસ્ટના મકાનમાં બેસી કામ કરવા મજબૂર બન્યાં
નડિયાદ : ખેડાના વસો તાલુકાના રામોલ ગામમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવા પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાન છ મહિનાથી તૈયાર થઈને ઊભું છે. પરંતુ લોકાર્પણ નહીં થતા હાલ આ મકાન હાલ ધૂળ ખાઈ રહ્યું છે.
વસો તાલુકાના રામોલ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુવિધા સજ્જ આયુષ્યમાન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે તેમજ રંગ રોગાન પણ થઈ ગયું છે. પરંતુ નવનિમત મકાનનું ઉદ્ધાટન ન થતા તેને ખંભાતી તાળાં લટકી રહ્યાં છે. બીજી બાજુ ફિમેલ હેલ્થવર્કર, એમ પીએચડબલ્યુ કર્મચારી તેમજ આશા વર્કરો ગામમાં આવેલ ખાનગી ટ્રસ્ટના મકાનમાં બેસી આરોગ્ય લક્ષી કામગીરી કરી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન ભવનનું ઉદ્ઘાટન,લોકાર્પણ કરવામાં સત્તાધીશો ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે રાજકીય નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓ વહેલી તકે આયુષ્યમાન ભવન પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરવા ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.


