જામનગર-રાજકોટ હાઈવે પર સ્ટંટ કરતાં કરતાં બાઇક ટ્રકમાં ઘૂસ્યું, યુવકનું ઘટનાસ્થળે મોત
Accident Rajkot-Jamnagar Highway: રાજ્યભરમાં અવાર-નવાર સ્ટંટબાજોના વીડિયો વાયરલ થાય છે. કાયદાની ઐસીતૈસી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જામનગરમાં ચાર સ્ટંટબાજો બાઇક રેસ લગાવી રહ્યા છે. ત્યારે એક બાઇક ચાલક ટ્રક સાથે અથડાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ દ્વારકામાં જોખમી રીતે સ્ટંટ કરી વીડિયો વાયરલ કરતાં પોલીસે કાર્યવાહી કરી ત્રણેય સ્ટંટબાજોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
જામનગરમાં અકસ્માતનો લાઇવ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે જામનગર-રાજકોટ હાઈવે પર ચાર જેટલા યુવકો હાઇવે પર બેફામ ગતિએ બાઇક હંકારી સ્ટંટ કરી રહ્યા છે. આ દરમિયાન ફલ્લા ગામ નજીક એક યુવકની બાઇક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનું ઘટનસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સ્ટંટ કરી રહેલા અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી છે.
તો બીજી તરફ દ્વારકામાં ત્રણ સ્ટંટબાજોને પોલીસે પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જોખમી રીતે સ્ટંટ કરી તેઓ વીડિયો વાયરલ કરતા હતા. ફેમસ થવાના ચક્કરમાં બાઇકચાલક ઉંધો સૂઇને રિલ્સ બનાવી રહ્યો હતો.