બાળકોને શનિવારે ત્રણ થી ચાર કિલો વજનની સ્કૂલ બેગ ઊંચકવામાંથી મુક્તિ મળશે
વડોદરાઃ નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ૧૦ શનિવાર બેગલેસ ડે રાખવાનો અને પહેલા સત્રના આઠ શનિવાર જોયફુલ ડે તરીકે રાખવાનો પરિપત્ર કર્યો છે.જેના પગલે વડોદરા શહેરની ૩૦૦ જેટલી પ્રાથમિક સ્કૂલોના ધો.૮ સુધીના બાળકોને શનિવારે ૩ થી ચાર કિલોની બેગ ઉંચકવામાંથી મુક્તિ મળશે.
તા.૫ જુલાઈથી જ આ પરિપત્રનો અમલ થવાનો હોવાથી પહેલી વખત હજારો બાળકો સ્કૂલમાં બેગ વગર જોવા મળશે.શહેરની શાળાઓએ પણ પરિપત્રને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરુ કરી છે.પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોનું કહેવું છે કે, ધો.૧ થી ૨ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન દોઢ થી બે કિલો, ધો.૩ થી ૪ના વિદ્યાર્થીઓની બેગનું વજન ૩ કિલો અને ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓની બેગનું વજન ૪ કિલો હોય છે.સપ્તાહમાં એક દિવસ તેમને આ ભારમાંથી મુક્તિ મળશે તે મોટી વાત છે.
જોકે સરકારના નિર્ણયનો અમલ કરવા સામે કેટલાક પડકારો પણ છે.જેમ કે ઓછી ફી લેતી ઘણી સ્કૂલો પાસે ડ્રોઈંગ, મ્યુઝિક કે બીજી એક્ટિવિટી કરાવી શકે તેવા શિક્ષકોનો અભાવ છે.ઉપરાંત ઘણી સ્કૂલો પાસે બોર્ડના ધારાધોરણ પ્રમાણેના મેદાનો નથી.બેગલેસ ડેના ભાગરુપે આવી સ્કૂલોને બાળકો પાસે માસ પીટી, યોગા કે અન્ય રમતો રમાડવાનું કામ મુશ્કેલ બનશે.
ટાઈમ ટેબલમાં થોડા ઘણા બદલાવ કરવા પડશે
સ્કૂલમાં બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી જ હોય છે.જે સપ્તાહમાં અલગ અલગ દિવસે હોય છે.તેની જગ્યાએ હવે શનિવારે તમામ પિરિયડ ઈતર પ્રવૃત્તિ માટે રાખવાનો વિચાર કરી શકાય છે.સ્કૂલોએ જોયફુલ ડે અને બેગલેસ ડે માટે જોકે પોતાના ટાઈમ ટેબલમાં થોડા ફેરફારો કરવા પડશે.બાકી આ એક આવકારદાયક પહેલ છે.
કુસુમ જોષી, પ્રાથમિક સ્કૂલ આચાર્ય
એક દિવસ બાળકો પોતાના માટે સમય કાઢી શકશે
વર્તમાન સિસ્ટમમાં બાળકોને પાઠય પુસ્તકો સિવાય કશું દેખાતું નથી.રવિવારે તેઓ ઘરે હોય છે પરંતુ અભ્યાસમાં વ્યસ્ત હોય છે. સતત તેઓ સ્પર્ધાના તણાવ હેઠળ જીવતા હોય છે.હવે એક દિવસ બાળકોને રાહત મળશે.તેઓ પોતાના માટે સમય કાઢી શકશે.શિક્ષકોએ બાળકોને અભ્યાસ સિવાયનું જ્ઞાાન શનિવારે આપવું જોઈએ.સરકારે ઘણી સારી નીતિ અમલમાં મૂકી છે.
રશ્મિકાબેન વસાવા, વાલી
૫૦ ટકા સ્કૂલો પાસે ધારાધોરણ પ્રમાણેના મેદાનો નથી
બેગલેસ અને જોયફુલ ડેમાં શારીરિક પ્રવૃત્તિઓ, યોગા અને માસ પીટી પર ભાર મૂકવામાં આવ્યો છે પરંતુ વડોદરા શહેરની ૫૦ ટકા સ્કૂલો પાસે બોર્ડના ધારાધોરણ પ્રમાણે ૧૨૦૦૦ સ્કેવર ફૂટના મેદાનો નથી.આ સંજોગોમાં બાળકોને રમત ગમત માટે સ્કૂલો શનિવારે જગ્યા ક્યાંથી લાવશે તે એક સવાલ છે.નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોનો ભણતરનો ભાર હળવો કરવાનો નિર્ણય યોગ્ય છે.
આર સી પટેલ, પ્રમુખ, શાળા સંચાલક મંડળ
આસપાસના સ્થળોની મુલાકાતે લઈ જવાનું મુશ્કેલ
એક શાળા સંચાલકે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, પરિપત્રમાં બાળકોને આસપાસના સ્થળો બતાવવા લઈ જવાનો પણ ઉલ્લેખ કરાયો છે.આ પણ એક જાતનો શૈક્ષણિક પ્રવાસ છે.બીજી તરફ સરકારે શૈક્ષણિક પ્રવાસના ધારાધોરણ ઘણા આકરા બનાવ્યા છે.હવે તો ડીઈઓની પરવાનગી વગર સ્કૂલના કમ્પાઉન્ડની બહાર બાળકોને પગ પણ મૂકવા દેવાય તેમ નથી.આમ બાળકોને સ્કૂલ બહાર લઈ જવાનું જોખમ મોટાભાગના સંચાલકો લેવા તૈયાર નહીં થાય.
સ્કૂલોને પરિપત્રનો અમલ કરવામાં તકલીફ નહીં પડે
પરિપત્રનો અમલ કરવામાં સ્કૂલોને તકલીફ પડે તેમ નથી.બાળકોને આ પ્રકારનો સમય સ્કૂલમાં મળવો જ જોઈએ.તેના કારણે બાળકોની શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્રની પ્રતિભા બહાર આવશે અને તેમને અભ્યાસમાં પણ મજા આવશે.માત્ર ઈતર પ્રવૃત્તિઓ જ નહીં પણ ગણિત વિજ્ઞાાન જેવા વિષયો પણ બાળકોને મજા આવે તેવી રીતે ભણાવી શકાય તેવી જોગવાઈ પરિપત્રમાં છે.
ગૌરાંગીબેન, પ્રાથમિક સ્કૂલ આચાર્ય
સમિતિની સ્કૂલોમાં વોકેશનલ કોર્સ શરુ કરવા વિચારણા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોએ કહ્યું હતું કે, સરકારે હવે શનિવારે બાળકોને અભ્યાસ સીવાયની પ્રવૃત્તિઓ કરાવવાની મંજૂરી આપી હોવાથી શિક્ષણ સમિતિની સ્કૂલોમાં દર શનિવારે વિદ્યાર્થીઓને સિવણકામ, સુથારીકામ જેવા વોકેશનલ કોર્સ શરુ કરીને તેની તાલીમ આપવાની પણ વિચારણા શરુ કરવામાં આવી છે.