કપડવંજ પાલિકાના વોર્ડ નં.-2મા ગંદકીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ

પ્રિ-મોન્સૂન અને સ્વચ્છતાના લીરા ઉડયા
ઘાંચીબારીથી મોતીપુરા રોડ ઉપર ગંદકીથી રોગચાળાનો ડર : દવાનો છંટકાવ કરવા માંગણી
કપડવંજ: કપડવંજ પાલિકામાં વોર્ડ નં.-૨માં ગંદકીના ઢગલા જામ્યા છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ રોજ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સત્વરે ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરાય તેવી માંગણી ઉઠી છે.
કપડવંજ પાલિકાના વોર્ડ નં. -૨માં ઘાંચીબારીથી મોતીપુરા રોડ પર દુર્ગંધ મારતા ગંદકીના ઢગલા જામ્યા છે. ચોમાસામાં વરસાદ અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે અહીં બે આંગણવાડી અને શાળા આવેલી હોવાથી બાળકોને રોજ બાળકો ગંદકી ખૂંદીને પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા એજન્સીને કામ સોંપ્યું હોવા છતા સ્વચ્છતા અંગે અધિકારીઓ કે ચૂંટાયેલા સભ્યો ધ્યાન નહીં આપતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કપડવંજના સત્તાધીશો નગરજનોનું કઈ સાંભળતા કે જવાબ નહીં આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે નગરજનો લાચારીમાં મૂકાયા છે. ત્યારે પાલિકા દ્વારા આરોગ્યલક્ષી પગલાં લેવાય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરાય તેવી માંગણી ઉઠી છે.









