જર્જરિત બ્રિજ એક વર્ષથી બંધ કરાયો છે છતાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરી રહ્યા છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીને ડી એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ન્યૂ સાયન્સ બ્લોક સાથે જોડતો ભૂખી કાંસ પરનો લોઅર બ્રિજ જોખમી હોવાથી બંધ કરવામાં આવ્યો છે.આમ છતા વિદ્યાર્થીઓ તેના પરથી અવર જવર કરી રહ્યા છે.
ભૂખી કાંસ પરનો આ બ્રિજ જર્જરિત બની ગયો છે.ઉપરાંત તેની ઉંચાઈ પણ પ્રમાણમાં ઓછી હોવાથી મગરો પણ તેની આસપાસ અવાર નવાર દેખા દેતા હોય છે.
જેના કારણે એક વર્ષ કરતા વધારે સમયથી આ બ્રિજ બંધ કરાયો છે.આમ છતા વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીથી યુનિટ બિલ્ડિંગ અને ન્યૂ સાયન્સ બ્લોક પગપાળા જવા માટેનો શોર્ટ કટ હોવાના કારણે જીવના જોખમે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે.વિદ્યાર્થીઓને અટકાવવામાં પણ આવી રહ્યા નથી અને યુનિવર્સિટીની સિક્યુરિટી રાબેતા મુજબ ઉંઘી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નવો બ્રિજ બનાવવા માટે બે કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોકે બ્રિજ બનાવવાની કામગીરી હજી સુધી શરુ કરવામાં આવી નથી.યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, ચોમાસા બાદ બ્રિજ માટેના ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.જોકે ત્યાં સુધી વિદ્યાર્થીઓને બ્રિજનો ઉપયોગ કરતા રોકવા માટેનું કોઈ આયોજન સત્તાધીશો પાસે નથી.