કપડવંજથી અનારા તરફ એસટી બસ નહીં આવતા વિદ્યાર્થીઓને હાલાકી
- શાળા સમયે બસ શરૂ કરવા માંગણી
- આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ ચાલીને તથા ખાનગી વાહનમાં જોખમી મુસાફરી કરવા મજબૂર
અનારા ગામે આવેલી હાઈસ્કૂલ ખાતે આસપાસમાં આવેલા બંદુકિયા, અંબેપુરા, કેસરપુરા, ઝરમાળા, દાંપટ સહિતના ગામડાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવાના સમય દરમિયાન એસટી વિભાગની એકપણ બસ કપડવંજ તરફ આવતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરથી બેથી ત્રણ કિલોમીટરનું અંતર ચાલવું પડે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જીવના જોખમે સવારી કરવી પડતી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. તેમજ કેટલીક વખત ખાનગી વાહન પણ ન મળે ત્યારે વિદ્યાર્થીઓ રજા પાડવા મજબૂર બન્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે કપડવંજ એસટી બસ સ્ટેન્ડ ખાતે પૂછપરછ કરતા અનારા જવા કોઈ બસ વ્યવસ્થા ન હોવાનું જાણવા મળ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. એક તરફ સરકાર દ્વારા કન્યા કેળવણી સહિત શિક્ષણ ઉપર ભાર આપવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થિનીઓને શાળા- કોલેજ જવા બસમાં વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવે છે પરંતુ એસટી બસ જ આવતી ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અનારા સુધીની એસટી બસ શરૂ કરવા માંગ ઉઠી છે.