બાવળાની ખાનગી શાળાના ગેટ પાસે ગંદા પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી
પાણીનો નિકાલ કરવામાં તંત્રની ઉદાસીનતા
પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઃ વિદ્યાર્થીઓ પ્રાંત અધિકારીઓને રજૂઆત કરી
બગોદરા - બાવળા શહેરમાં આવેલી ખાનગી શાળા પાસે છેલ્લા કેટલાક દિવસોથી ગંદા પાણી ભરાવવાના કારણે શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. જો કે સ્થાનિક તંત્ર સહિત શાળા સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને નડતી આ હાલાકી દુર કરવામાં આળસ દાખવવામાં આવતા વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓએ તેમને પડતી મુશ્કેલી અંગે સીધી પ્રાંત અધિકારીઓને રજૂઆત કરી હતી.
બાવળા શહેરના હાર્દ સમાન ગણાતા વિસ્તારમાં સીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ પાસે છેલ્લા કેટલાક દિવસથી ભરાયેલા ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળે છે. આ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. સ્કૂલના પ્રવેશ દ્વાર પાસે જ વરસાદી પાણી ભરાવવાના કારણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓને રોજેરોજ પાણી ડહોળીને શાળાએ અવર-જવર કરવાની ફરજ પડી રહી છે
બાવળા નગરપાલિકામાં આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા, શાળાના બાળકોએ સીધા પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યોે છે. બાળકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે જો ગંદા પાણીમાંથી પસાર થતા કોઈ બાળકને ચેપ કે અન્ય કોઈ રોગ થાય તો તેની જવાબદારી કોની રહેશે? આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નાના બાળકોએ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની સમસ્યાનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાવળા શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી, કિચડ અને પાણી ભરાવાની સમસ્યા વકરતી જઈ રહી છે.