ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી ૬ વિદ્યાર્થિનીઓ હજી પણ સારવાર હેઠળ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસનું ભોજન જમવાથી થયેલા ફૂડ પોઈઝનિંગના કારણે ૧૩૫ જેટલી વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પૈકીની ૬ જેટલી વિદ્યાર્થિનીઓ હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.ઉપરાંત યુનિવર્સિટી સત્તાધીશોએ જેમને રજા અપાઈ છે તેવી વિદ્યાર્થિનીઓ માટે એક કામચલાઉ સુવિધા ગર્લ્સ હોસ્ટેલની લાઈબ્રેરીમાં ઉભી કરી છે.જે વિદ્યાર્થિનીઓને હજી નબળાઈ લાગતી હોય તેમને આ જગ્યાએ રાખવામાં આવી છે.બીજી તરફ કેટલીક વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેમના માતા-પિતા થોડા દિવસો માટે ઘરે લઈ ગયા છે.
દરમિયાન પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય કપિલ જોષીએ આજે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલને મળીને મેસના કોન્ટ્રાક્ટર બાલા શેટ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માગ કરી હતી.પૂર્વ સેનેટ સભ્યનું કહેવું હતું કે, ફૂડ પોઈઝનિંગમાં મેસ કોન્ટ્રાક્ટરની સ્પષ્ટપણે બેદરકારી જણાઈ આવે છે.આમ છતા આ ઘટનાના ૭૨ કલાક બાદ પણ યુનિવર્સિટી સત્તાધીશો કોન્ટ્રાકટર બાલા શેટ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા નથી.
સાયન્સ ફેકલ્ટીની કેન્ટીન પાછળ
ધોવા મૂકાયેલા વાસણોમાં કુતરું મોઢું નાંખતું હોવાનો વિડિયો વાયરલ
મેસમાં ફૂડ પોઈઝનિંગની ઘટના વચ્ચે સાયન્સ ફેકલ્ટીમાં કેન્ટીનની પાછળના હિસ્સાનો એક વિડિયો વિદ્યાર્થી આલમમાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં ધોવા મૂકેલા વાસણોમાં કુતરુ મોઢું નાખી રહ્યું હોવાનું જોઈ શકાય છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વિડિયો તાજેતરનો જ છે અને સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં ઉપયોગમાં લેવાયેલા વાસણો જે જગ્યાએ ધોવામાં આવે છે તે જ જગ્યાનો છે.આમ યુનિવર્સિટીની કેન્ટીનોમાં પણ સ્વચ્છતાના ધારાધોરણો સામે સવાલો ઉઠી રહ્યા છે.