જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં એક સ્કૂલ બસનો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી
જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ગઈકાલે બપોરે વરસાદી વાતાવરણની વચ્ચે પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ, કે જેનો પાછલા વ્હીલનો જોટો એકાએક નીકળી ગયો હતો, અને બસ માર્ગ પર થોડે દૂર સુધી ખાંગી થઈને ઢસડાઈ હતી.
જેથી બસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બસના પાછલા વ્હીલના જોટામાં કોઈ તકલીફ ઊભી થવાના કારણે એકાએક જોટો બસમાંથી જુદો પડીને નીકળી ગયો હતો, અને બસ માર્ગ પર ખાંગી થઈ હતી. આ બનાવને લઈને સાત રસ્તા સર્કલ વિસ્તારના ટ્રાફિક જામ થયો હતો. જેથી પોલીસ તંત્રને પણ કવાયત કરવી પડી હતી.
દિલ્હી પબ્લિક સ્કૂલ નામની શાળા ની સ્કૂલ બસ કે જે વિદ્યાર્થીઓને જામનગર શહેરમાં મૂકવા આવી રહી હતી, જે દરમિયાન સાત રસ્તા સર્કલ પાસે આ અકસ્માત નડ્યો હતો. પરંતુ કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ ન હોવાથી હાશકારો અનુભવાયો છે, અને સ્થળ પર જ બસમાં રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.