વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિ હેઠળ બીકોમ ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરાવવા માટે સત્તાધીશોએ કવાયત શરુ કરી છે.પહેલી વખત ફેકલ્ટી દ્વારા આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ કરાવવામાં આવશે.
જેના ભાગરુપે ફેકલ્ટીના અધ્યાપકોની એક બેઠક આજે બોલાવવામાં આવી હતી.જેમાં જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ કેવી રીતે કરાવી શકાય તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી અને ઈન્ટર્નશિપ ફરજિયાત હોવાથી ફેકલ્ટી સત્તાધીશોએ ઈન્ટર્નશિપ માટે ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગો, બેન્કો, એકાઉન્ટિંગ ફર્મ, માર્કેટિંગ કંપનીઓ, એનજીઓ, કોમર્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ એમ અલગ અલગ જગ્યાએ સંપર્કો કર્યા છે.જેથી કરીને વિદ્યાર્થીઓને ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપનો મોકો મળે.
ઈન્ટર્નશિપ માટે ૫૦ થી ૧૦૦ વિદ્યાર્થીઓનું એક એવા જૂથ બનાવાશે અને દરેક જૂથની એક અધ્યાપકને જવાબદારી અપાશે.સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે.


